ઈરાનના સમર્થનથી હિઝબુલ્લાહ ઈઝરાયલ પર સતત હુમલા કરી રહ્યું છે. હિઝબુલ્લાહે સોવિયેત યુગમાં ઉપયોગમાં લેવાતા સર્વેલન્સ ડ્રોનને પણ ક્રુઝ મિસાઈલમાં રૂપાંતરિત કર્યા હતા. હવે તે આ મિસાઈલથી ઈઝરાયલ પર હુમલો કરી રહ્યું છે. ઈઝરાયલની સેનાએ તાજેતરમાં આ મિસાઇલની વિગતો શેર કરી હતી. તેમણે કહ્યું કે, આ સોવિયત સંઘ દરમિયાન ઉપયોગમાં લેવાતું Tu-143 ડ્રોન છે. જેનો વાસ્તવમાં સર્વેલન્સ અને જાસૂસી માટે ઉપયોગ થતો હતો.


272 કિલો વોરહેડ અને 200 કિમીની રેન્જ

હિઝબુલ્લાએ સોવિયેત યુગમાં ઉપયોગમાં લેવાતા સર્વેલન્સ ડ્રોનને ક્રુઝ મિસાઈલમાં બદલી નાખ્યું છે. લેબનોનમાં તેને હવે DR-3 ક્રુઝ મિસાઈલ કહેવામાં આવે છે. આ ડ્રોનથી બનેલી ક્રૂઝ મિસાઈલને ફાયર કરવા માટે કોઈ રનવેની જરૂર નથી. તેને ટ્રેલર અથવા ટ્રકની પાછળ લગાવેલા રેલ લોન્ચરથી ફાયર કરી શકાય છે. એક મિસાઈલ 272 કિલોગ્રામનું વોરહેડ વહન કરે છે. તેની રેન્જ લગભગ 200 કિમી છે.

તેલ અવીવને સરળતાથી નિશાન બનાવી શકે છે

એટલે કે જો લેબનોન આ મિસાઈલને સરહદની નજીકથી છોડે છે, તો તે તેલ અવીવ અથવા જેરુસલેમને સરળતાથી નિશાન બનાવી શકે છે. જો કે, આવી મિસાઈલોની ચોકસાઈને લઈને હંમેશા સવાલો ઉભા થયા છે. પરંતુ જો આ મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડે તો તે લક્ષ્યને અથડાવ્યા વિના પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે.

950 કિમી/કલાકની ઝડપે કરે છે હુમલો

આ મિસાઈલ લગભગ 26.5 ફૂટ લાંબી છે. તેની વિંગસ્પેન 7.4 ફૂટ છે. ઊંચાઈ 5.1 ફૂટ છે. તે મહત્તમ 950 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હુમલો કરે છે. તે મહત્તમ 16,400 ફૂટ એટલે કે લગભગ પાંચ કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

ઈઝરાયલ અને હિઝબુલ્લાહની વચ્ચે તણાવ

ઈઝરાયલ અને હિઝબુલ્લાહની વચ્ચે તણાવ એના ટોચ પર છે ત્યારે બન્ને પક્ષ એકબીજા પર સતત હુમલાઓ કરી રહ્યા છે. હિઝબુલ્લાહે બુધવારે જણાવ્યું કે, ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પાસે મોસાદના હેડ કવાર્ટરને ટાર્ગેટ બનાવી રોકેટ છોડયા છે. હિઝબુલ્લાનું કહેવું છે કે, મોસાત તેના નેતાઓની હત્યા કરવા, પેજર અન વોકી ટોકીથી ઉડાડવા માટે જવાબદાર છે. હિઝબુલ્લાહ આ કારણથી ચિડાયું છે. કારણ કે, ઈઝરાયલ તરફથી બેરુતમાં કરેલા હવાઈ હુમલામાં તેના એક સિનિયર કમાન્ડરનું મોત થયું છે.

  • Follow us on: