- કેનેડાના PMએ નિજ્જર હત્યાકાંડ પાછળ ભારતનો હાથ ગણાવ્યો
- ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી
- હિંદુઓએ કેનેડા છોડીને ભારત પરત ફરવું જોઈએ:પન્નુ
કેનેડા ધીમે ધીમે 'બીજું પાકિસ્તાન' બનીને ભારત વિરૂદ્ધ હરકતો કરી રહ્યું છે. ત્યાંની સરકારે જે રીતે એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું અને સંબંધો બગાડવાની કોશિશ કરી તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ત્યાં ખાલિસ્તાનીઓનું વર્ચસ્વ કેટલું છે. હવે તેઓ ભારતીયો માટે પણ ખતરો બની રહ્યા છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી છે. પન્નુએ કહ્યું છે કે હિંદુઓએ દેશ છોડી દેવો જોઈએ. હકીકતમાં કેટલાક ખાલિસ્તાન તરફી શીખો કેનેડા પ્રત્યે વફાદારી બતાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે ત્યાંના હિંદુઓ દેશ (કેનેડા)ને વફાદાર નથી અને આવી સ્થિતિમાં તેઓએ ભારત જવું જોઈએ.
ભારતીય મિશન પર હુમલાની ધમકી
ભારત વિરુદ્ધ આક્રમક અને ભડકાઉ નિવેદન આપનાર પન્નુએ ઓટાવા, ટોરોન્ટો અને વેનકુવરમાં ભારતીય મિશનોને ધમકીભરી ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે સોમવારે ભારતીય મિશન પર હુમલો થઈ શકે છે. તેની સામે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં 12થી વધુ કેસ પેન્ડિંગ છે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા અને વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ પણ પન્નુએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.આ તમામ ઘટનાક્રમ જોયા બાદ પણ પીએમ જસ્ટિન ટ્રુડોએ મૌન ઉપવાસ જાળવી રાખ્યા છે.
કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે સમર્થિત નફરતના ગુનાઓ અને હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભારતે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે. ભારત સરકારે કહ્યું છે કે ત્યાં મુસાફરી કરવાનું વિચારતા નાગરિકોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ.
નિજ્જરની હત્યામાં સામેલ ભારતીય એજન્ટનો હાથ: ટ્રુડો
તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા સરકારે ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટનમાં ગુરુદ્વારા સામે બાઇક પર આવેલા હુમલાખોરોએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની ભૂમિકા અસ્વીકાર્ય: ટ્રુડો
PM ટ્રુડોએ કેનેડાની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા બાદ અમારી તપાસ એજન્સી ભારતીય એજન્ટોની ભૂમિકાની સક્રિયપણે તપાસ કરી રહી છે. કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની ભૂમિકા અસ્વીકાર્ય છે અને તે આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. ભારતે સંસદમાં ટ્રુડોના આ નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું હતું. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં પીએમ ટ્રુડોના નિવેદનને વાહિયાત અને ભ્રામક ગણાવ્યું હતું.









