- લાલ સાગરમાં સતત થઈ રહ્યા છે હૂતિ બળવાખોરોના હુમલા
- અમેરિકન શીપ પર હૂતિ બળવાખોરોનો નિષ્ફળ મિસાઇલ એટેક
- MV માર્સક ડેટ્રોઇટની એન્ટિ-મિસાઇલ સિસ્ટમે મિસાઇલ તોડી પાડી
લાલ સાગરમાં હૂતિ બળવાખોરોના હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે એકવાર ફરી હૂતિઓએ અમેરિકન જહાજને નિશાન બનાવ્યું છે. હૂતિ બળવાખોરોએ એક પછી સતત ત્રણ મિસાઇલ દ્વારા અમેરિકન શીપ પર હુમલો કર્યો હતો. જોકે, સદનસીબે હુમલાનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો તેનું નામ MV માર્સક ડેટ્રોઇટ છે.
મળતી માહિતી મુજબ, અમેરિકન જહાજે 24 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે એડનની ખાડીને પાર કરી હતી. આ જહાજ પર અમેરિકન ધ્વજ હતો. અચાનક જ એક પછી એક 3 બેલેસ્ટિક મિસાઈલો જહાજ તરફ આવી. એક મિસાઈલ દરિયામાં પડી. જ્યારે, બે મિસાઇલોને અમેરિકન ગ્રેવલી ડીડીજી 107 (એન્ટિ-મિસાઇલ સિસ્ટમ) દ્વારા તોડી પાડવામાં આવી હતી. સદભાગ્યે, અમેરિકન જહાજને કોઈ નુકસાન થયું ન હતું.
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે યમનના વિદ્રોહી સંગઠને સમુદ્રમાં જહાજને નિશાન બનાવ્યું હોય. તાજેતરમાં, હૂતિ બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેમના નૌકાદળના એકમે એડનની ખાડીમાં એક અમેરિકન જહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ત્યારબાદ, અમેરિકાએ યમનમાં હૂતિ ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કર્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે જહાજને કોઈ નુકસાન થયું નથી અને કોઈને ઈજા પણ નથી થઈ.
કેમ મહત્વનો છે લાલ સાગર?
લાલ સાગરમાં જે વેપાર માર્ગને હૂતિ બળવાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યો છે તે વિશ્વના લગભગ 15% શિપિંગનું સંચાલન કરે છે. આ માર્ગ યુરોપ અને એશિયાને જોડવા માટે મહત્વપૂર્ણ છે. જો વાણિજ્યિક જહાજો લાલ સાગર અને સુએઝ કેનાલને બદલે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપમાંથી પસાર થાય છે, તો મુસાફરીમાં 10-14 દિવસ વધુ લાગે છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રેસિડેન્ટ બોર્ગે બ્રેન્ડેના જણાવ્યા અનુસાર, હૂતિ હુમલાઓ વૈશ્વિક સપ્લાય ચેઇન પર નકારાત્મક અસર કરી શકે છે. ભારત જેવા તેલની આયાત કરતા દેશો માટે તેલના ભાવમાં પ્રતિ બેરલ 10-20 ડોલરનો વધારો થઈ શકે છે. અમેરિકાએ યમન સ્થિત હૂતિ બળવાખોરોને આતંકવાદી જૂથ જાહેર કર્યું છે અને તેમના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. યમનમાં હૂતિ ઠેકાણાઓ પર અમેરિકા અને બ્રિટનના હુમલાને કારણે આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે.