વિનાશકારી વાવાઝોડા મિલ્ટને અમેરિકાના ફ્લોરિડામાં વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરને ઘમરોળી નાખ્યું હતું. ત્યારબાદ આ વાવાઝોડું ગુરુવારે એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી ગયું હતું. વાવાઝોડા મિલ્ટનને લીધે 10 લોકોનાં મોત થયા છે. ચક્રવાત મિલ્ટન બુધવારની રાત્રે 112 કિલોમીટરના અંતરે સિએસ્ટા તટ પર ટકરાયું હતું. આ વાવાઝોડાને લીધે ફ્લોરિડામાં 30 લાખથી વધુ મકાનોમાં વીજળી ગુલ થઈ જતા અંધારપટ છવાયો હતો. વાવાઝોડાને લીધે પાણીના પુરવઠાને અસર થઈ હતી. ઘણા સ્થાને પર પાઈપલાઈન તૂટી ગઈ હતી જેનાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.


જો બાઈડેને ઈમરજન્સી જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ફ્લોરિડા માટે ઈમરજન્સી જાહેર કરી હતી. સાત હજાર બચાવકર્મીઓ મદદ માટે તૈનાત હતા. હરિકેન મિલ્ટનના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જર્મની અને અંગોલાનો પ્રવાસ મોકૂફ રાખ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ જીવન અને મૃત્યુનો મામલો હોવાનું જણાવ્યું હતું. 

ખતરો સમાપ્ત થયો નથી

મળતી માહિતી અનુસાર, ફલોરિડાના એક શહેર ટેમ્પામાં આ વિનાશક વાવાઝોડાની અસર જોઈએ એટલી નથી થઈ. પરંતુ હજુ પણ આ વિસ્તારમાં મોટી કટોકટી છે. અહીંના ગવર્નરના જણાવ્યા અનુસાર, તોફાનના કારણે વિસ્તારના કેટલાક ભાગોમાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખતરો હજી દૂર નથી થયો અને ફ્લોરિડાના પૂર્વ-મધ્ય કિનારે અને જ્યોર્જિયા સુધીના મોટાભાગના ઉત્તરમાં તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

મકાનો ધરાશાયી

ફ્લોરિડાના એટલાન્ટિક કિનારે ફોર્ટ પિયર્સ નજીક સ્થિત સ્પેનિશ લેક્સ કન્ટ્રી ક્લબને ભારે નુકસાન થયું હતું, જેમાં કેટલાય મકાનો નાશ પામ્યા હતા અને કેટલાક રહેવાસીઓ માર્યા ગયા હતા. સેન્ટ લ્યુસી કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું કે તોફાનમાં પાંચ લોકોનાં મોત થયા છે. વાવાઝોડાને કારણે લગભગ 80,000 લોકોએ આશ્રયસ્થાનોમાં રાત વિતાવી હતી અને હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. દરમિયાન, ઓર્લાન્ડોમાં, વોલ્ટ ડિઝની વર્લ્ડ, યુનિવર્સલ ઓર્લાન્ડો અને સી વર્લ્ડ ગુરુવારે બંધ રહ્યા હતા.

  • Follow us on: