• પ્રતિકલાક 165 માઇલની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ : કાંઠા વિસ્તારમાંથી સ્થળાંતર

  • મેક્સિકોના દક્ષિણ કાંઠા વિસ્તારો પર બુધવારે બપોરે ઓટિસ ચક્રવાત ત્રાટક્યું હતું
  • અમેરિકી હરિકેન સેન્ટરના જણાવ્યા મુજબ વાવાઝોડું વિનાશક અસર જન્માવી શકે

મેક્સિકોના દક્ષિણ કાંઠા વિસ્તારો પર બુધવારે બપોરે ઓટિસ ચક્રવાત ત્રાટક્યું હતું. અકાપુલ્કો અને આસપાસના નગરોમાં ચક્રવાત ત્રાટકવા સાથે જ જોરદાર વંટોળ ફૂંકાયો હતો અને વરસાદ તૂટી પડયો હતો. આ ઘટનાએ 1997માં આવેલા વાવાઝોડાની યાદ અપાવી હતી. ચક્રવાત ફૂંકાતા પ્રતિકલાક 165 માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો અને સમુદ્રમાં 6થી 8 મીટર ઊંચા મોજા ઊછળ્યા હતા. અમેરિકી હરિકેન સેન્ટરના જણાવ્યા મુજબ વાવાઝોડું વિનાશક અસર જન્માવી શકે છે.

ગુરેરો અને ઓક્સાકા સ્ટેટ સુધી પહોંચતા ચક્રવાતના વંટોળની ગતિ ઘટીને પ્રતિ કલાક 125 કિ.મી.ની થઈ ગઈ હતી. વાવાઝોડું જમીની પ્રદેશ પર પ્રતિકલાક 10 માઇલની ઝડપે આગળ વધી રહ્યું હતું. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ગુરેરો સ્ટેટ સત્તાવાળા રાહત છાવણી ઊભી કરી ચૂક્યા છે. નેશનલ ગાર્ડ કોઈપણ સ્થિતિનો સામનો કરવા સાબદા થયેલા છે. કાંઠા વિસ્તારના લોકોને પહેલેથી જ સલામત સ્થાને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. તંત્ર બચાવકાર્ય માટે સાબદું થયેલું છે. સત્તાવાળાઓએ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં ડિઝાસ્ટર પ્લાન અમલી કરી દીધો હતો. ચક્રવાતને પગલે ગુરેરો અને ઓક્સાકા પ્રદેશમાં 20 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તેને કારણે ભારે પૂર આવતાં ભેખડો ધસી પડવાનો ખતરો છે.ચક્રવાતનો ઝંઝાવાતી પવન અને ભારે પૂર વિનાશ સર્જી શકે છે. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.


  • Follow us on: