અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સુપર બાઉલ પ્રિશો દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા બાબતે ગંભીર છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કેનેડાને અમેરિકા સાથે ભેળવી દેવાની વાત વાસ્તવિક છે કે જેવું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ ચેતવણી આપી છે? ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે હા એ સાચું છે. મને લાગે છે કે કેનેડાને 51મું રાજ્ય બનાવવું આપણા માટે સારું છે કેમ કે કેનેડા માટે આપણે દરેક વર્ષે 200 અબજ ડોલર ગુમાવીએ છીએ અને હું આવું થવા નહીં દઉં. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે આપણે કેનેડાને દર વર્ષે 200 અબજ ડોલરની સબસિડી કેમ આપી રહ્યા છીએ? નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર એ સલાહ આપી છે કે જો કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનવા સહમત થાય તો તેના માટે સારું રહેશે. જો કે આ સંભાવના કેનેડાના લોકો વચ્ચે ખૂબ જ બિનલોકપ્રિય છે અને આ મુદ્દે કેનેડાના પીએમએ ગત શુક્રવારે દેશના વ્યાપાર અને શ્રામિક નેતાઓ સાથે બંધબારણે ચર્ચા પણ કરી હતી. ટ્રુડોએ અમેરિકા કેનેડાના પ્રાકૃતિક સંસાધનોને હડપ કરવા માંગતું હોવાનો આરોપ મૂક્યો છે.










