- વિશ્વભરના દિગ્ગજ નેતાઓ G20 સમિટમાં ભાગ લેશે
- રશિયાએ વિદેશમંત્રી સર્ગેઈ લવરોવને ભારત મોકલવાનો નિર્ણય કર્યો
- યુક્રેન અને અન્ય કટોકટી પર મોસ્કોની સ્થિતિને પ્રતિબિંબિત કરશે નહીં ત્યાં સુધી રોકશે અંતિમ ઘોષણા:લવરોવ
G20 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વના ઘણા નેતાઓ ભારત પહોંચવાના છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી આ સમિટમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. લવરોવે શુક્રવારે કહ્યું હતું કે રશિયા G-20 સમિટની અંતિમ ઘોષણાને ત્યાં સુધી રોકશે જ્યાં સુધી તે યુક્રેન અને અન્ય કટોકટી પર મોસ્કોની સ્થિતિને પ્રતિબિંબિત કરશે નહીં.
પુતિનના નજીકના ગણાતા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ 2004થી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિદેશ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં 20 અગ્રણી ઔદ્યોગિક અને વિકાસશીલ દેશો (G20)ના જૂથની બેઠકમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરશે.
રશિયાની ધમકી!
માર્ચમાં યુક્રેન યુદ્ધ અંગે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિન માટે ધરપકડ વોરંટ જારી કર્યું ત્યારથી પુતિને વિદેશ પ્રવાસ કર્યો નથી. લાવરોવે પ્રતિષ્ઠિત મોસ્કો સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, 'જો અમારી સ્થિતિ પ્રતિબિંબિત ન થાય તો તમામ સભ્યો વતી કોઈ સામાન્ય ઘોષણા જારી કરવામાં આવશે નહીં'.
ફેબ્રુઆરી 2022માં રશિયાના આક્રમણ બાદ શરૂ થયેલ યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ભારે જાનહાનિ થઈ છે. રશિયા યુદ્ધને અહંકારી પશ્ચિમ સાથે અસ્તિત્વની લડાઈ તરીકે રજૂ કરે છે. જે પુતિન કહે છે કે (પશ્ચિમના દેશો) રશિયાને ખતમ કરવા અને તેના વિશાળ કુદરતી સંસાધનો પર નિયંત્રણ માટે ઇચ્છે છે. પશ્ચિમ આવા કોઈપણ ઇરાદાને નકારે છે.
ભારત સહિતના આ દેશો તટસ્થ
ચીન, ભારત અને બ્રાઝિલ જેવી અન્ય મોટી શક્તિઓએ શાંતિ માટે અપીલ કરી છે પરંતુ મોસ્કો સાથેના પોતાના સંબંધો નક્કી કરવાનો અધિકાર પણ અનામત રાખ્યો છે. ચીને પશ્ચિમી દેશો પર યુક્રેનને હથિયારોની સપ્લાય કરીને યુદ્ધને વેગ આપવાનો આરોપ લગાવ્યો છે. લવરોવે જણાવ્યું હતું કે પશ્ચિમે સમિટની તૈયારીની બેઠકોમાં યુક્રેનનો મુદ્દો ઉઠાવ્યો હતો જેનો રશિયાએ જવાબ આપ્યો હતો કે 'આ મુદ્દો અમારા માટે બંધ છે.'
લવરોવે પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા
લવરોવે પશ્ચિમ પર તેના પોતાના એજન્ડાને અનુસરીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે, જો G20 બેઠકમાં સર્વસંમતિ ન સધાય તો G20 અધ્યક્ષ દ્વારા બિન-બંધનકર્તા સંદેશાવ્યવહાર જારી કરવામાં આવી શકે છે. લાવરોવે કહ્યું હતું કે, G20 ક્ષમતાઓના ક્ષેત્રમાં ચોક્કસ નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને દરેકને તેમની વાત કહેવાની તક આપે છે.
જિનપિંગના આગમન પર સસ્પેન્સ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કદાચ આવતા અઠવાડિયે ભારતમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેશે નહીં. ભારત અને ચીનમાં આ મામલાથી માહિતગાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. બે ભારતીય અધિકારીઓ (ચીન સ્થિત રાજદ્વારી અને G20માં દેશની સરકાર માટે કામ કરતા અધિકારી)એ જણાવ્યું હતું કે ચીનના પીએમ લી ક્વિઆંગ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરની બેઠકમાં બેઇજિંગનું પ્રતિનિધિત્વ કરે તેવી અપેક્ષા છે. જોકે, ભારત અને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.