• ખેડૂતો રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શ કર્યું હતું
  • પડતર માંગણીને લઈ ખેડૂતો આકરા પાણીએ
  • ફ્રાંસ, બ્રસેલ્સ સહિત યુરોપના શહેરોમાં ખેડૂતોએ દિલ્હીવાળી કરી


બેલ્ઝિયમ દેશની રાજધાની બસેલ્સમાં આશરે એક હજારથી વધુ ટ્રેકટર્સ માર્ગ પર ઉતરી પડયા હતા. ખેડૂતો યુરોપિયન યુનિયન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેમની સમસ્યાઓને ધ્યાનમાં લેવામાં આવે અને તેમના માટે નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવે. નોંધનીય છે કે પ્રદર્શન બાદ બેલ્જિયમના વડાપ્રધાને પણ ખેડૂતોની સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને આ મુદ્દે ચર્ચા કરવાનું કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પર્યાવરણને બચાવવા માટે લેવામાં આવતા પગલાઓમાં ખેડૂતોને ખરાબ અસર ન થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ.

 યુરોપિયન દેશોમાં આજકાલ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરી રહ્યા છે. ગુરુવારે યુરોપિયન યુનિયનની બેઠક યોજાઈ હતી, જેમાં યુક્રેનને વધુ નાણાકીય સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહેરના ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. વિરોધ કરી રહેલા ખેડૂતોએ સમગ્ર શહેરમાં ટ્રેક્ટર પર કૂચ કરી હતી અને આ દરમિયાન રસ્તાઓ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને ઘણી જગ્યાએ આગચંપી કરવામાં આવી હતી.

ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?

યુરોપિયન દેશોમાં ખેડૂત સંગઠનો નારાજ છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને ખેતી માટે સારા પૈસા નથી મળતા. આ ઉપરાંત તેમના પર ટેક્સ લાદવામાં આવી રહ્યો છે. પર્યાવરણીય પ્રતિબંધોએ તેમને વધુ પરેશાન કર્યા છે. યુરોપીયન ખેડૂતો પણ ફરિયાદ કરે છે કે તેઓ વિદેશમાંથી સખત સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને યુક્રેનથી આવતી સસ્તી આયાતને કારણે તેમની સમસ્યાઓ અનેકગણી વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુરોપિયન દેશોએ યુક્રેનથી આવતી કૃષિ આયાત પર ઘણી છૂટ આપી છે, જેના કારણે યુક્રેન અને અન્ય દેશોમાંથી સસ્તી કૃષિ પેદાશો યુરોપિયન બજારોમાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તેઓ આનાથી નારાજ છે.

તાજેતરમાં ઇટાલી, સ્પેન, રોમાનિયા, પોલેન્ડ, જર્મની, પોર્ટુગલ અને નેધરલેન્ડમાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોના વિરોધને જોતા ફ્રાંસ સરકારે પણ તેમના માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. યુરોપિયન યુનિયનમાં યુક્રેનથી સસ્તા કૃષિ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

  • Follow us on: