ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી એકવાર તિરાડ પડી છે. કેનેડાના PM જસ્ટિન ટુડો આરોપ લાગતા જ પોતાનો લુલો બચાવ કરવા લાગ્યા છે. જસ્ટિન ટુડોએ જે આરોપ લગાવ્યા ત્યારબાદ બંને દેશ વચ્ચે સંબંધો વણસ્યા છે. ખાલિસ્તાની સમર્થક હરદિપ સિંહ નિજ્જરની હત્યા સંબંધીત તપાસમાં ભારતીય હાઈ કમિશનરની સંડોવણી અંગે કેનેડા સરકાર દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ આ વાત સામે આવી છે.
ભારત-કેનેડા સંબંધોમાં તણાવનો ઈતિહાસ દાયકાઓ જૂનો છે
સોમવારે, ભારતના વિદેશ મંત્રાલયે તેના રાજદ્વારીને નિશાન બનાવતા "ખોટા" આરોપો સામે કડક ચેતવણી આપી છે, તેને ટ્રુડોનો રાજકીય લાભ લેવાના હેતુથી ચાલતું પગલું ગણાવ્યું. ભારત-કેનેડા સંબંધોમાં તણાવનો ઈતિહાસ દાયકાઓ જૂનો છે, પરંતુ નવીનતમ તણાવ સપ્ટેમ્બર 2023થી ચાલી રહ્યો છે. ગયા વર્ષે, ટ્રુડોએ જૂન 2022 માં કોલંબિયાના સરેમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતીય એજન્ટો પર આરોપ મૂક્યો હતો. ટ્રુડોએ ચૂંટણી પહેલા સોમવારે ફરી એકવાર ભારત પર આવા જ આરોપ લગાવ્યા હતા.
શા કારણે ભારત સાથે સંબંધો બગડ્યા
ભારત કેનેડા વચ્ચેનો તણાવ 1974માં ભારતના પરમાણુ પરીક્ષણો દરમિયાન શરૂ થયો હતો. જ્યારે કેનેડાના તત્કાલિન વડાપ્રધાન ટ્રુડોના પિતા પિયર ટ્રુડોની સરકારે આ પરીક્ષણો પર નારાજગી વ્યક્ત કરી હતી. 1998માં રાજસ્થાનના પોખરણમાં ભારતે કરેલા પરમાણુ પરીક્ષણ બાદ આ તણાવ વધુ વધ્યો હતો. ચીન તરફથી સુરક્ષાના જોખમો અને સ્થાનિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણને કારણે કેનેડા અને મોટાભાગના પશ્ચિમી દેશો સાથે ભારતના સંબંધો બગડ્યા હતા.
કેનેડાએ ભારતે કરેલા પરમાણુ પરિક્ષણને વિશ્વાસઘાત તરીકે ગણાવ્યુ.
કેનેડાએ ભારતે કરેલા પરમાણુ પરિક્ષણને વિશ્વાસઘાત તરીકે ગણાવ્યુ. તત્કાલીન વિદેશ મંત્રી મિશેલ શાર્પે નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વિશ્વાસ ઉઠી ગયો છે. કેનેડિયન નીતિ નિર્માતાઓ માનતા હતા કે ભારતની પરમાણુ ક્ષમતાઓ બિન-પરમાણુ દેશોને સમાન પ્રયાસો કરવા પ્રેરણા આપશે.
પિયરે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરી ન હતી
1980ના દાયકામાં, જ્યારે પંજાબમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓની ઘટનાઓ ચરમસીમાએ હતી અને ભારત સરકારે આતંકવાદ સામે ઝુંબેશ શરૂ કરી હતી, ત્યારે ભારતમાંથી ભાગી રહેલા ખાલિસ્તાનીઓ માટે કેનેડા એક પ્રિય સ્થળ બની ગયું હતું. પિયરના કાર્યકાળ દરમિયાન, ઘણા ખાલિસ્તાનીઓ ભારતથી ભાગી ગયા અને કેનેડામાં આશ્રય લીધો. આ બાબતે બળતામાં ઘી હોમ્યુ
આજે પણ કેનેડાનું વલણ ભારત માટે આવુ જ રહ્યુ છે
ખાલિસ્તાની જૂથ બબ્બર ખાલસાનો સભ્ય તલવિંદર સિંહ પરમાર 1981માં પંજાબમાં બે પોલીસકર્મીઓની હત્યા કરીને કેનેડા ભાગી ગયો હતો. જ્યારે ભારતે પરમારને સોંપવાની વિનંતી કરી ત્યારે પિયર ટ્રુડો પ્રશાસને ભારતની વિનંતીને ફગાવી દીધી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓની ચેતવણીઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.
1985માં તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો
23 જૂન 1985ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ 182 પર થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. જેમાં 329 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના કેનેડિયન હતા. પરમારને આ હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતો હતો, પરંતુ પિયર ટ્રુડો સરકારે તેના પર કાર્યવાહી કરી ન હતી અને બોમ્બ વિસ્ફોટના સંબંધમાં માત્ર એક વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ પણ કેનેડાની સરકાર દ્વારા ખાલિસ્તાની દળો વિરુદ્ધ કાર્યવાહીના અભાવ અંગે પિયર ટ્રુડો સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ કેનેડા સરકારના વલણમાં કોઈ ફેરફાર થયો ન હતો. આજે પણ કેનેડાનું વલણ ભારત માટે આવુ જ રહ્યુ છે.









