- ટીટીપી અને પાકિસ્તાન સરકાર વચ્ચે શાંતિ મંત્રણા બાદ દેશમાં આતંકવાદી હુમલામાં વધારો થયો
- યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી 100થી વધુ આતંકવાદી હુમલા થયા
- રક્ષામંત્રીએ ભારત પર આતંકવાદીઓને મદદ કરવાના આરોપને પણ પુનરોચ્ચાર કર્યો
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું માનીએ તો દેશની વચગાળાની સરકારના અફઘાનિસ્તાન સાથે સારા સંબંધો છે પરંતુ એ પણ ચિંતાનો વિષય છે કે આ દેશનો ઉપયોગ હવે પાકિસ્તાન પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે. આસિફે કહ્યું હતું કે તહરીક-એ-તાલિબાન (ટીટીપી) હવે આતંકવાદી હુમલા માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. આ સંગઠન આ દેશની મદદથી પાકિસ્તાન ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વામાં વર્ચસ્વ જમાવી રહ્યું છે. આસિફે વોઈસ ઓફ અમેરિકાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. પોતાના ઈન્ટરવ્યુમાં રક્ષામંત્રીએ ભારત પર આતંકવાદીઓને મદદ કરવાના આરોપને પણ પુનરોચ્ચાર કર્યો છે.
અફઘાનિસ્તાને પોતાનું વચન તોડ્યું
ગયા વર્ષે ટીટીપી અને પાકિસ્તાન સરકાર વચ્ચે શાંતિ મંત્રણા બાદ દેશમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. TTP એ 29 નવેમ્બર 2022ના રોજ યુદ્ધવિરામ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી આતંકી સંગઠન આક્રમક બની ગયું છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી 100થી વધુ આતંકવાદી હુમલા થયા છે જેમાં સુરક્ષા દળો અને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન માને છે કે આમાંના ઘણા હુમલાઓ અફઘાનિસ્તાનમાં ટીટીપીના હેન્ડલર્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે અફઘાનિસ્તાનમાંથી જ આતંકી હુમલાની સૂચનાઓ પણ આપવામાં આવે છે.
અફઘાન તાલિબાનની સાથે
આસિફે ઈન્ટરવ્યુમાં પોતાની કાબુલ મુલાકાતને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન તેમણે TTP દ્વારા વધી રહેલા આતંકવાદી હુમલાઓ વિશે અફઘાનિસ્તાન સરકારને માહિતી આપી હતી. બેઠકમાં અફઘાન તાલિબાને વચન આપ્યું હતું કે તે TTP તરફથી વધી રહેલા આતંકવાદની સમસ્યાનો સામનો કરશે. સાથે જ દોહા સમજૂતી મુજબ તેઓ પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થવા દે. આસિફના મતે અફઘાન તાલિબાન અને TTP વચ્ચે ભાઈચારો છે. બંને છેલ્લા 20 વર્ષથી નાટો સામે એકસાથે લડી રહ્યા છે અને આવી સ્થિતિમાં આ ભાઈચારો વધુ મજબૂત બન્યો છે. આસિફે કહ્યું હતું કે TTP આતંકવાદીઓમાં સાતથી આઠ હજાર અફઘાન તાલિબાન છે.
ભારત અદ્યતન સાધનો આપે છે
આસિફે દાવો કર્યો છે કે TTP પાસે નાઇટ વિઝન ગોગલ્સ જેવા અદ્યતન હથિયારો છે. આ તે હથિયારો છે જે વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળતી વખતે યુએસ સેનાએ પાછળ છોડી દીધા હતા. રક્ષામંત્રીએ કહ્યું હતું કે અન્ય દેશો પણ TTP આતંકીઓને અદ્યતન સાધનસામગ્રી આપી રહ્યા છે. તેમના મતે ભારત જેવા કેટલાક દેશો કે જેમના પાકિસ્તાન સાથે સારા સંબંધો નથી તેઓ હવે TTPને મદદ કરી રહ્યા છે. પાકિસ્તાને આનાથી સંબંધિત પુરાવા પણ આંતરરાષ્ટ્રીય સમુદાયને આપ્યા છે. ખૈબર પખ્તુનખ્વામાં સેનાના વધી રહેલા વિરોધ પર આસિફે અભિપ્રાય આપ્યો હતો કે, પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિને કારણે ઘણા વિસ્તરોમાં આતંકવાદ વિરુદ્ધના વિરોધને મીડિયા દ્વારા અવગણવામાં આવે છે. તેમના મતે પ્રાંતના લોકો TTP સાથે સહઅસ્તિત્વ માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં તે તાલિબાનની વાપસીનો વિરોધ કરી રહ્યો છે.