- સિંગાપુરમાં એક કાર્યક્રમમાં માલદીવના સંરક્ષણ પ્રધાને ભારતને પારંપરિક ભાગીદાર ગણાવ્યું
- ઘણા સમયથી વિવાદમાં રહેલા માલદીવના વલણમાં આવ્યો અણધારો બદલાવ
- માલદીવ પોતાની સેનાને મજબૂત કરવા માંગે છે
છેલ્લા ઘણા મહિનાઓથી ભારત-માલદીવ વચ્ચે રાજદ્વારી સંબંધો બગડ્યા છે ત્યારે હવે આ પ્રકરણમાં એક સારી ખબર આવી છે. ચીન તરફી વલણ ધરાવનાર મોહમ્મદ મુઈઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચે શરૂ થયેલો તણાવ હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે. માલદીવના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ ઈસને ભારતને પરંપરાગત ભાગીદાર ગણાવ્યું છે અને કહ્યું છે કે માલદીવ દિલ્હી સાથે સતત વાતચીત કરી રહ્યું છે. મોહમ્મદ ઈસાન સિંગાપોરની ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા આયોજિત શાંગરી-લા ડાયલોગમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વર્ષે ભારત અને માલદીવ વચ્ચે યોજાયેલી સંરક્ષણ કવાયતની માહિતી આપીને નવી દિલ્હી સાથેની મિત્રતાનો સંકેત આપ્યો હતો.
સિંગાપોરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન માલદીવના રક્ષા મંત્રીએ ચીનનું નામ પણ લીધું ન હતું, તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના નવા મિત્રનો બચાવ કર્યો છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, 'મોહમ્મદ મુઇઝુ આંતરરાષ્ટ્રીય સહયોગ, ખાસ કરીને સંરક્ષણ સહયોગના મજબૂત સમર્થક છે.' તેમણે કહ્યું, 'નવેમ્બર 2023થી સરકારમાં આવ્યા બાદ અમે અમારા પરંપરાગત મિત્રો ભારત અને અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખી છે. તે જ વર્ષે માલદીવે ભારત અને શ્રીલંકા સાથે સંયુક્ત નૌકા કવાયત પણ પૂર્ણ કરી હતી. આ સિવાય માત્ર ચાર દિવસ પહેલા અમે અમેરિકા સાથે એક કવાયત પૂરી કરી હતી.













