- ભારતે કેનેડાની ચૂંટણીમાં દખલગીરીના પ્રયાસના આરોપો પાયાવિહોણા ગણાવ્યા
- કેનેડાની ઈન્ટેલિજન્સ એજન્સીએ ભારત પર વિવિધ આરોપ લગાવ્યા હતા
- ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાને સોય ઝાટકી શાનમાં સમજાવી દીધું
કેનેડિયન ગુપ્તચર એજન્સી CSIS (કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ) દ્વારા કરવામાં આવેલા આરોપો પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે અને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. મળતી માહિતી મુજબ, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે અને ઓટાવા પર દંભનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મુખ્ય મુદ્દો ભૂતકાળમાં નવી દિલ્હીના મામલામાં ઓટાવાની દખલગીરીનો છે.
એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'અમે કેનેડિયન કમિશનની તપાસ વિશે મીડિયા અહેવાલો જોયા છે... અમે કેનેડિયન ચૂંટણીમાં ભારતીય દખલગીરીના આવા તમામ પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારીએ છીએ. અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલગીરી કરવી એ ભારત સરકારની નીતિ નથી. હકીકતમાં, તેનાથી વિપરિત, તે કેનેડા છે જે આપણી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે.
કેનેડાની ઈન્ટેલિજન્સ એજન્સીએ ભારત પર શું આરોપ મુક્યો ?
કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)ના એક દસ્તાવેજમાં જણાવાયું છે કે ફેડરલ ઇન્વેસ્ટિગેશન કમિશન 2019 અને 2021માં દેશની ચૂંટણીમાં ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા જેવા વિદેશી દેશો દ્વારા સંભવિત હસ્તક્ષેપની તપાસ કરી રહ્યું છે. CSIS દસ્તાવેજો આક્ષેપ કરે છે કે '2021 માં, ભારત સરકાર હસ્તક્ષેપ કરવાનો અને સંભવતઃ કેનેડામાં ભારતીય સરકારના પ્રોક્સી એજન્ટનો ઉપયોગ સહિતની અપ્રગટ પ્રવૃત્તિઓ હાથ ધરવાનો ઇરાદો ધરાવે છે.'
કેનેડિયન જાસૂસી એજન્સીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભારત સરકારે 2021માં દખલગીરીની પ્રવૃત્તિઓ હાથ ધરી હતી જેમાં ઓછી સંખ્યાવાળા ચૂંટણી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. CSIS દસ્તાવેજમાં જણાવાયું છે કે ભારત સરકારે તે જિલ્લાઓને નિશાન બનાવ્યા કારણ કે ભારતની ધારણા છે કે 'ભારતીય મૂળના કેનેડિયન મતદારોનો એક ભાગ ખાલિસ્તાની ચળવળ અથવા પાકિસ્તાન તરફી રાજકીય વલણ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે.'
કેનેડાની ગુપ્તચર એજન્સીના ડાયરેક્ટરને રિપોર્ટ પર વિશ્વાસ નથી
દસ્તાવેજ કહે છે કે CSIS એ 'ગુપ્ત માહિતી' એકત્રિત કરી છે જે દર્શાવે છે કે ભારત સરકારના 'પ્રોક્સી એજન્ટ્સ'એ ભારત તરફી ઉમેદવારોને ગેરકાયદેસર નાણાકીય સહાય આપીને લોકશાહી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે. જો કે, CSIS ના ડાયરેક્ટર ડેવિડ વિગ્નોલ્ટે કહ્યું છે કે CSIS રિપોર્ટમાં દર્શાવેલ આરોપોને તથ્ય ગણવા જોઈએ નહીં અને આ બાબતની સંપૂર્ણ તપાસની જરૂર છે. કારણ કે રિપોર્ટમાં દર્શાવેલ માહિતી અપ્રમાણિત અથવા અધૂરી હોવાનું જણાય છે.