- કેનેડાના ડરહામ અને ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ
- 41 વર્ષીય ભારતીય-કેનેડિયન જગદીશ પંઢેરની ધરપકડ
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
તાજેતરના મહિનાઓમાં કેનેડાના ડરહામ અને ગ્રેટર ટોરોન્ટોમાં હિન્દુ મંદિરોની તોડફોડ મામલે 41 વર્ષીય ભારતીય-કેનેડિયન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ડરહામ પ્રાદેશિક પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે ગુનાઓ ધિક્કાર અથવા દુર્ભાવનાથી પ્રેરિત હોય તેવું લાગતું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા 41 વર્ષીય ઈન્ડો-કેનેડિયન વ્યક્તિની ઓળખ બ્રેમ્પટન શહેરના જગદીશ પંઢેર તરીકે થઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 8 ઑક્ટોબરે, તેના અધિકારીઓએ પિકરિંગમાં બેઈલી સ્ટ્રીટ અને ક્રોસનો બુલવાર્ડ વિસ્તારમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ અને પેશકદમીના અહેવાલ પર પ્રતિક્રિયા આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા સર્વેલન્સ દરમિયાન, જગદીશ પંઢેર મંદિરમાં પ્રવેશતા અને દાન પેટીઓમાંથી મોટી રકમ લેતા જોવા મળ્યા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલા તે નાસી છૂટ્યો હતો.













