ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં શુક્રવારે સવારે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. ગેરકાયદે સોનાની ખાણમાં કામગીરી દરમ્યાન મજૂરો ભૂસ્ખલનની ઝપટમાં આવ્યા હતા. ભૂસ્ખલનને લીધે ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા હતા, જ્યારે 25થી વધુ લોકો ગુમ થયાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને આ અંગેની જાણકારી આપતા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની મદદ લેવાઈ રહી છે. રૅસ્કયૂ ટીમ કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં છે.


 

ખાણના કાટમાળ લોકો દટાયા

સ્થાનિક ડિઝાસ્ટર એજન્સી કાર્યાલયના વડાએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે. પશ્ચિમ સુમાત્રા પ્રાંતના દૂરના સોલોક જિલ્લામાં સોના માટે ખોદકામ કરી રહેલા લોકો ભૂસ્ખલનને કારણે આસપાસના પર્વતીય વિસ્તારમાંથી માટી અને અન્ય કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 25 લોકો હજુ પણ દટાયેલા છે. બચાવકર્મીઓએ ત્રણ લોકોને જીવતા બહાર કાઢ્યા છે. રાત્રિ દરમ્યાન પણ બચાવ કાર્ય ચાલુ છે.

અગાઉ પણ અકસ્માતો સર્જાઈ ચુક્યા છે

ઈન્ડોનેશિયામાં આ પ્રકારનો અકસ્માત પહેલીવાર નથી થયો. આ અગાઉ આ વર્ષે જુલાઈ મહિનામાં પણ એક હ્રદય હચમચાવી દેનારો અકસ્માત થયો હતો. જુલાઈ મહિનામાં સુલાવેસી ટાપુ પરની એક ગેરકાયદેસર સોનાની ખાણ વરસાદને કારણે તૂટી પડી હતી. આ અકસ્માતમાં 12થી વધુ લોકોનાં મોત થયા છે. એ દરમિયાન સોનાની ખાણમાં 100થી વધુ લોકો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

  • Follow us on: