ઈન્ડોનેશિયામાં પૂર્વ જનરલ અને સંરક્ષણ મંત્રી પ્રબોવો સુબિયાંતોએ રવિવારે ઈન્ડોનેશિયાના આઠમા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ઈન્ડોનેશિયા દેશ સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. સુબિયાંતો એક વિવાદિત સૈન્ય જનરલથી લઈ રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા છે. કારણ કે, તેઓને ઈન્ડોનેશિયાની સૈન્ય તાનાશાહી દરમ્યાન માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોનો સામનો કરવો પડયો હતો. જો કે, તે સમયે તેઓએ રાજનીતિમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી હતી.
73 વર્ષીય સુબિયાંતોએ તેમના ધર્મનું પુસ્તક પર હાથ રાખીને શપથ લીધા હતા. શપથ ગ્રહણ પછી, હજારો ટેકેદારોએ તેમનું સ્વાગત કરવા અને ધ્વજ લહેરાવીને તેમનું સન્માન કરવા શેરીઓમાં ઉતરી પડયાં હતાં.
અનેક દેશોના નેતાઓને જમાવડો
રાષ્ટ્રપતિનો શપથવિધિ સમારોહ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં યોજાયો હતો, જેમાં 40થી વધુ દેશોના નેતાઓ અને સિનિયર અધિકારીઓએ ભાગ લીધો હતો. તેમાં બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, સાઉદી અરેબિયા, રશિયા, દક્ષિણ કોરિયા, ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના પ્રતિનિધિઓ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, પ્રબોવોનું નામ આ પહેલા પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં રહ્યું છે અને તેઓ રાષ્ટ્રપતિ જોકો વિડોડો સામે બે વખત ચૂંટણી લડ્યા હતા. 2014 અને 2019 માં હાર્યા હોવા છતાં, વિડોડોએ તેમને તેમના સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા, જે તેમની વચ્ચે રાજકીય જોડાણની શરૂઆત દર્શાવે છે. જોકો વિડોડોના ટેકાથી રાષ્ટ્રપતિ બન્યા હતા.
ઈન્ડોનેશિયામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, સુબિયાંતોએ વિડોડોના સમર્થનથી જંગી જીત મેળવી હતી. તેમણે ચૂંટણી પ્રચારમાં વિડોડોની મુખ્ય નીતિઓને આગળ ધપાવવાનું વચન આપ્યું હતું, જેમાં ઈન્ડોનેશિયા માટે નવા મલ્ટી-બિલિયન-ડોલર કેપિટલ પ્રોજેક્ટ અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કાચા માલની નિકાસ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહ બાદ સુબિયાંતોએ ઈન્ડોનેશિયાના લોકોને સંબોધતા કહ્યું કે તેઓ દેશને વિકાસના નવા પથ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.










