- ભૂટાન સાથે સરહદ વિવાદ છતાં ચીને કર્યું સરહદોનું ઉલ્લંઘન
- વિવાદાસ્પદ સરહદી વિસ્તારમાં ચીને વસાવી દીધા 3 નવા ગામ
- પછાત લોકોના વિકાસના બહાના આપીને વસાવ્યા ગામડા
ચીન પોતાની જૂની આદતો નથી ભૂલી રહ્યું. ઇતિહાસ સાક્ષી છે કે ચીન સતત પોતાના પાડોશી દેશોની સરહદોનું ઉલ્લંઘન કરતું આવ્યું છે. હાલના સમયમાં પણ ચીન આવું જ કઈક કરી રહ્યું છે. હોંગકોંગના ચાઇનીઝ મીડિયાના અહેવાલ મુજબ ચીન અને ભૂટાન વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદ છતાં કહીને કથિત રીતે વિવાદિત વિસ્તારમાં ગામ વસાવ્યા છે.
પછાત લોકોને ગરીબીમાંથી કાઢવાનું આપ્યું બહાનું
રિપોર્ટમાં આમ કરવા પાછળનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓનું માનીએ તો સરકાર અહી પછાત લોકોને ગરીબી માંથી બહાર લાવવા માટે આ કામ કરી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે ચીન આ પ્રકારની કપટી રમત રમી રહ્યું હોય, આ પહેલા પણ ચીન ભારત સાથે ચાલી રહેલા વિવાદિત સરહદી વિસ્તારમાં આ પ્રકારના કૃત્યો કરી ચૂક્યું છે જેની કડક શબ્દોમાં ટીકા પણ કરવામાં આવી હતી.
શી જિનપિંગના વિશાળ પોસ્ટર્સ સાથે ગામલોકોના ફોટા વાયરલ
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છેઃ કે હિમાલય વિસ્તારમાં સરહદ પાસે આવેલા એક ગામમાં 18 ચીની નાગરિકો પોતાના નવા બનાવવામાં આવેલ ઘરમાં જવા માટે ઉત્સુક છે. સ્થાનિક લોકોની કેટલીક તસ્વીરો પણ સામે આવી છે. આ તસ્વીરોમાં લોકોને હાલના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસ્વીરો સાથે જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલી તસ્વીરોમાં જિનપિંગની તસ્વીરો એટલી મોટી દર્શાવવામાં આવી છે કે આ પોસ્ટર પકડીને ઉભેલા લોકોના માત્ર માથા અને પગ જ જોવા મળી રહ્યા છે. ધડનો સમગ્ર ભાગ ફ્રેમની પાછળ ઢંકાયેલો જોવા મળે છે.
ચીન અને ભૂટાન વચ્ચે વિવાદનું કારણ છે આ વિસ્તાર
ચીન જે વિસ્તારમાં આ ગામ વસાવી રહ્યું છે તેના પર ચીનની સાથે સાથે ભૂટાન પણ પોતાનો હક્ક ગણાવી રહ્યું છે. આ જ કારણ છે કે આ વિસ્તારને લઈને બંને દેશો વચ્ચે ચર્ચાઓ પણ ચાલી રહી છે. વિવાદાસ્પદ વિસ્તાર હોવા છતાં ચીને આ વિસ્તારમાં ગામ વસાવવાની શરૂઆત કરી દીધી છે.
તિબેટ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ તરફથી પણ આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે 28 ડિસેમ્બરે કેટલાક ચીની લોકો અહીં આવ્યા હતા. ચીન વિવાદિત વિસ્તારમાં ત્રણ ગામોને વસાવવાની તૈયારી કરી રહ્યું છે. આ પગલામાં આ પહેલું ગામ છે.