- ધાર્મિક લઘુમતીઓ પરના હુમલાઓ ગંભીર ચિંતા સાથે જોવામાં આવ્યા
- મુહમ્મદ યુનુસ લઘુમતીઓ પરના હુમલાઓ રોકવા સોમવારે બેઠક કરી શકે
- હિન્દુ સમુદાયના લોકોએ હુમલાઓ વચ્ચે સુરક્ષાની કરી માગ
બાંગ્લાદેશની નવી વચગાળાની સરકારનું કહેવું છે કે, તે હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પર હુમલા રોકવા માટે કામ કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર વચગાળાના કેબિનેટે ગુરુવારે રાત્રે તેના સભ્યોના શપથ લીધા પછી રવિવારે પહેલું સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, કેટલીક જગ્યાએ ધાર્મિક લઘુમતીઓ પરના હુમલાઓ ગંભીર ચિંતા સાથે જોવામાં આવ્યા છે. કેબિનેટે કહ્યું કે, તે આવા જઘન્ય હુમલાઓને ઉકેલવા માટે પ્રતિનિધિ સંસ્થાઓ અને અન્ય સંબંધિત જૂથો સાથે તરત જ બેઠક કરશે.
મુહમ્મદ યુનુસ સોમવારે હિન્દુ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે કરશે બેઠક
મીડિયા અહેવાલો અનુસાર બાંગ્લાદેશની વચગાળાની સરકારના નેતા મુહમ્મદ યુનુસ સોમવારે હિન્દુ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ સામેના હુમલાને લઈને બેઠક કરી શકે છે. સંભવિત બેઠક વર્તમાન સંકટનો ઉકેલ લાવવા અને હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
શેખ હસીનાએ દેશ છોડ્યા પછી હિન્દુઓ પર હુમલા
મીડિયા અહેવાલ અનુસાર શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને સોમવારે ભારત ભાગી ગયા બાદ બાંગ્લાદેશી હિન્દુઓ હિંસા અને લૂંટફાટનો સામનો કરી રહ્યા છે. ઘણા હિન્દુ મંદિરો, ઘરો અને વેપારી સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા ઓછામાં ઓછા બે હિન્દુ નેતાઓના હિંસામાં મોત થયા છે.
સતત બીજા દિવસે લઘુમતી હિન્દુ સમુદાયના સભ્યોએ કર્યો વિરોધ
બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ઉત્તર-પૂર્વીય બંદર શહેર ચટગાંવમાં શનિવારે સતત બીજા દિવસે લઘુમતી હિન્દુ સમુદાયના હજારો સભ્યોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેમણે દેશભરમાં મંદિરો, તેમના ઘરો અને વ્યવસાયો પર હુમલાઓ વચ્ચે સુરક્ષાની માંગ કરી હતી.
હિન્દુ સમુદાયના લોકોએ અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવા માગ કરી
વિરોધ કરી રહેલા હિન્દુ સમુદાયના લોકોએ લઘુમતીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી ઝડપી કરવા માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપના, લઘુમતીઓ માટે 10 ટકા સંસદીય બેઠકો, લઘુમતી સંરક્ષણ અધિનિયમનો અમલ વગેરેની માંગ કરી રહ્યા હતા.
52 જિલ્લામાં ઉત્પીડનની 205 ઘટનાઓ
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર લઘુમતીઓના અધિકારોને સમર્થન કરનાર એક પ્રમુખ સંગઠન, બાંગ્લાદેશ હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઓઈક્યા પરિષદના મુખ્ય સલાહકાર ડો. મુહમ્મદ યુનુસને એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. તેમાં 5 ઓગસ્ટના રોજ શેખ હસીના સરકારના પતન પછી 52 જિલ્લામાં ઉત્પીડનની 205 ઘટનાઓની વિગતો આપી છે.
પ્રદર્શનકારીઓએ 8 મુદ્દાનો માગણી પત્ર રજૂ કર્યો
શનિવારે પ્રદર્શનકારીઓએ આઠ મુદ્દાનો માગણી પત્ર રજૂ કર્યો હતો. આમાં લઘુમતી પર અત્યાચાર કરનારાઓની ટ્રાયલ ઝડપી કરવા, પીડિતોને વળતર અને લઘુમતી સંરક્ષણ અધિનિયમના તાત્કાલિક અમલીકરણ માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપનાનો સમાવેશ થાય છે.