હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને આવતા મહિને એક વર્ષ પૂર્ણ થવાનું છે ત્યારે આ યુદ્ધ હજી રોકાવાનું નામ નથી લઈ રહ્યું. યુદ્ધ રોકાવાના બદલે વધુ ઉગ્ર થઈ રહ્યું છે. હમાસે ગત વર્ષે સાત ઑક્ટોબરે બંધક બનાવેલા લોકોમાંથી છની હત્યા કરી હતી. જે બાદ ઈઝરાયલ રોષે ભરાઈને ઈઝરાયલના સૈન્યએ ગાઝાના જુદાજુદા વિસ્તારમાં હુમલા કર્યા હતા. આ હુમલામાં આઠ ઉગ્રવાદીઓ સહિત 35 પેલેસ્ટાઈનીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ હુમલા અંગે પેલેસ્ટાઈન નાગરિક ઈમરજન્સી સેવાએ જાણકારી આપી હતી. ઈઝરાયલી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા લોકોમાં દક્ષિણી શહેર રાફામાં ચાર મહિલા અને ઉત્તર ગાઝામાં આઠ અને મધ્યમાં નવ પેલેસ્ટાઈનીઓનાં મોત થયા હતા. ઈઝરાયલી સેનાના દાવા પ્રમાણે સાત ઑક્ટોબરે થયેલા હુમલામાં સામેલ કમાન્ડર સહિત આઠ આતંકવાદીઓ ઠઆર મરાયા છે. જો કે હજી હમાસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
હમાસ અને ઈઝરાયલ વચ્ચે તાજા યુદ્ધવિરામ પછી ફરી એકવાર ઝટકો લાગ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ સોમવારે ગાઝાના દક્ષિણ કિનારે ફિલાડેલ્ફિયા કોરિડોરથી ઈઝરાયલી સૈનિકોને હટાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેમને જણાવ્યું કે ઈઝરાયલી સૈનિક ત્યાં જ રહેશે. ઉપરાંત નેતન્યાહૂએ ફરી હમાસને ઝડમૂળથી સમાપ્ત કરવાની પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. તેમનું કહેવું હતું કે યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહિ થઈ જતો.
હમાસે આપી ધમકી
ઈઝરાયલના બંધકોની હત્યા પછી વિશ્વભરમાં નારાજગી વેઠતા હમાસની ધમકીઓ પણ કાંઈ ઓછી નથી. ઈઝરાયલે યુદ્ધ વધુ ઉગ્ર કરતા ફરી આગમાં ઘી નાખવાનું નિવેદન હમાસે કર્યું છે. હમાસે કહ્યું કે જો ઈઝરાયલ સૈન્ય દબાણ વધારશે તો બંધકોને તાબૂત (કોફીન)ની અંદર મોકલાશે. હમાસે ચેતવણી આપી કે ઈઝરાયલની સેના આવશે તો બંધકોની સુરક્ષામાં લાગેલા લોકોને કહેવાયું છે કે તમામ લોકોને તરત મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. હમાસના બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું કે, ઈઝરાયલના પીએમએ બંધકોને બચાવવા માટે સૈનાનો ઉપયોગ કર્યો તો અમે તેઓને કોફીનની અંદર બંધકોને તેઓના પરિવારને મોકલી દેવામાં આવશે.
બંધકોના મૃતદેહો મળતા સ્થિતિ કથળી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગત સાત ઑક્ટોબરથી યુદ્ધ શરૂ થયું છે. છેલ્લા ઘણા દિવસોથી ગાઝામાં સંઘર્ષ વધી ગયો છે. રવિવારે ઈઝરાયલી સૈન્યને ગાઝામાં છ બંધકોના મૃતદેહો મળ્યા હતા. જેની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. માર્યા ગયેલા તમામ બંધકોમાં એક અમેરિકી નાગરિક પણ સામેલ હતો. આશરે 250 લોકો ઈઝરાયલી લોકોને ગત વર્ષથી બંધક બનાવવામાં આવ્યા છે. બંધકોની હત્યા પછી રવિવારે ઈઝરાયલની રાજઝાની તેલ અવીવ સહિત ઘણા શહેરોમાં બંધકોની મુક્તિ માટે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.













