• 7 ઓક્ટોબરથી ગાઝા અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે
  • યુદ્ધની વચ્ચે જો બાઈડેન અને એન્ટની બ્લિન્કેનનો મધ્ય પૂર્વ પ્રવાસે
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન યુદ્ધવિરામના મુદે વાચતીચ કરી શકે છે

ઈઝરાયેલની સેનાએ હમાસના કબજા હેઠળના ગાઝા પટ્ટીના મુખ્ય શહેર ગાઝા શહેરને ઘેરી લીધું છે. આ ત્યારે આવ્યું જ્યારે આરબ નેતાઓએ ઇઝરાયેલ પર ગાઝાનો ઘેરો હળવો કરવા અને તેના હુમલાઓને રોકવા માટે, ઓછામાં ઓછા અસ્થાયી ધોરણે, નાગરિકોને મદદ કરવા દબાણ વધાર્યું, પરંતુ ઇઝરાયેલે આ દબાણોને ધ્યાનમાં લીધા વિના તેનું ગ્રાઉન્ડ અભિયાન ચાલુ રાખ્યું છે.

જો કે, ગઈકાલે આ ઓપરેશનમાં 17 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જેમાંથી એક ભારતીય મૂળના સૈનિક પણ સામેલ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, "અમે યુદ્ધની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છીએ. અમને ઘણી સફળતાઓ મળી છે. અમે ગાઝા શહેરની બહારના વિસ્તારોમાંથી પસાર થઈ ગયા છીએ અને સતત આગળ વધી રહ્યા છીએ."

જો બાઈડેન અને એન્ટની બ્લિન્કેનનો મધ્ય પૂર્વ પ્રવાસ

આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન શુક્રવારે (3 નવેમ્બર) બીજી વખત ઈઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે. તેમના બીજા મધ્ય પૂર્વ પ્રવાસ પર જતા પહેલા, બ્લિંકને પત્રકારોને જણાવ્યું હતું કે તેમનો પ્રવાસ ગાઝાના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ વધુમાં ઉમેર્યું હતું કે, "હમાસ દ્વારા અપહરણ કરાયેલા 200 થી વધુ બંધકોની મુક્તિ પણ મુલાકાતનો વિષય હશે." મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ યુદ્ધવિરામ મુદ્દે વાતચીત માટે જોર્ડનની મુલાકાત લેશે.

શરણાર્થી શિબિર પર કરાયેલ હુમલામાં 15 લોકોના મોત

અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટીને ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ સાથે ગાઝામાં ઈઝરાયેલની કામગીરી અંગે માહિતી માટે વાત કરી છે. આ વાતચીત દરમિયાન, યુએસ સંરક્ષણ સચિવે રફાહ દ્વારા ગાઝામાં મોકલવામાં આવતી માનવતાવાદી સહાયના મહત્વ પર પણ ભાર મૂક્યો. ગુરુવારે ગાઝામાં બુરીજ શરણાર્થી શિબિર પર ઇઝરાયેલના હુમલા બાદ ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઇંધણ અને માનવતાવાદી સહાયના અભાવને કારણે નાગરિકોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે.

  • Follow us on: