- ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે ગાઝા નાગરિકો સતત મુશ્કેલીમાં
- આતંકીઓ અંગે યોગ્ય માહિતી આપનારને અપાઇ નાણાંની ઓફર
- 200 બંધક બનાવનાર હમાસના આતંકીઓનું લોકેશન જાણવા પ્રયાસ
7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ હમાસના આતંકવાદીઓએ 200થી વધુ ઈઝરાયેલી લોકોને બંધક બનાવી લીધા છે. ઈઝરાયલ સામે સૌથી મોટો પડકાર તેમને આતંકવાદીઓના ચુંગલમાંથી મુક્ત કરવાનો છે. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝા પટ્ટીના લોકો પાસેથી બંધકો વિશે માહિતી માંગી છે, જેથી તેમને મુક્ત કરી શકાય.આવું કરનારાઓને નાણાંની પણ ઓફર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે ગાઝાવાસીઓની સતત મુશ્કેલી વધી રહી છે. યુદ્ધની સ્થિતિનો સામનો કરી રહેલા ગાઝામાં અનાજ-પાણીની સમસ્યા ઉભી થવાની સાથે વિજ અને ફ્યુલ સપ્લાયનું પણ સંકટ વધ્યું છે. હમાસે ઈઝરાયેલના નાગરિકોને બંધક બનાવ્યા બાદ આક્રમક બનેલા ઈઝરાયેલે ગાઝામાં ફ્યુલ સહિતની સપ્લાય અટકાવી દીધી છે, ત્યારે ઈઝરાયેલી સેનાએ ગાઝામાં વસતા લોકોને વિનંતી કરી છે કે, તેઓ હમાસે જે સ્થળોએ ઈઝરાયેલી નાગરિકોને બંધક રાખ્યા છે, તેની માહિતી આપે. જાણકારી આપનારને નાણાંની પણ ઓફર કરવામાં આવી છે. હમાસના આતંકવાદીઓએ લગભગ 200થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે અને આ આતંકીઓનું લોકેશન જાણવા ઈઝરાયેલી સેના તમામ પ્રયાસો કરી રહી છે.
આતંકીઓ અંગે યોગ્ય માહિતી આપનારને અપાઇ નાણાંની ઓફર
ઈઝરાયેલી સુરક્ષા દળ (IDF)એ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં બંધક બનાવાયેલ ઈઝરાયેલી નાગરિકોને બચાવવા માટે હમાસના આતંકવાદીઓ અંગે યોગ્ય માહિતી આપનારને નાણાંની ઓફર કરાઈ છે. ઉપરાંત આઈડીએફ માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાનું પણ વચન આપ્યું છે. આઈડીએફે કહ્યું કે, જો તમે શાંતિથી રહેવા ઈચ્છો છો અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છો તો તુરંત માનવીય કાર્ય કરો અને અમને બંધકોને છુપાવીને રાખેલા સ્થળો અંગે માહિતી આપો. ઈઝરાયેલી સેના તમને વિશ્વાસ આપે છે કે, અમે તમારા અને તમારા ઘરોને સુરક્ષા પુરી પાડવાના વધુમાં વધુ પ્રયાસો કરીશું. આ માટે તમને ઈનામરૂપે નાણાં આપવામાં આવશે. અમે તમને ગેરંટી આપીએ છીએ કે, આ કામગીરી ગુપ્ત રીતે થશે. માહિતી આપનારાઓ માટે ઈઝરાયેલી સેનાએ 8619 વૉટ્સઅપ, ટેલીગ્રામ, સિગ્નલ: +972503957992 નંબર જારી કર્યો છે.
અત્યાર સુધીમાં યુદ્ધમાં 7000થી વધુ લોકોના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ આજે 19મા દિવસે પણ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 5,800 લોકો માર્યા ગયા છે. 10 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ બંધકોને છોડાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. હમાસ ઇઝરાયેલ પાસે માગ કરી રહ્યું છે કે તેમાંથી કેટલાકને મુક્ત કરવાના બદલામાં ગાઝાને ઇંધણ સપ્લાય કરે. અગાઉ IDFએ કહ્યું હતું કે, 7 ઓક્ટોબરે અચાનક થયેલા હુમલા બાદ હમાસે તેના 222 નાગરિકોને બંધક બનાવ્યા હતા.









