- યુએન મહામંત્રીનાં નિવેદન બાદ ઈઝરાયેલ આકરા પાણીએ
- એન્ટોનિયો ગુટેરેસનાં રાજીનામાની કરવામાં આવી માંગ
- ઈઝરાયેલ યુએનનાં અધિકારીઓ સાથે નહીં કરે કોઈ વાતચીત
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત ગિલાડ એર્ડને જણાવ્યું હતું કે તેમનો દેશ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા ઇઝરાયેલ પર હમાસના હુમલાને વાજબી ઠેરવવા માટેના નિવેદન પછી યુએન અધિકારીઓને વિઝા આપવામાં નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે "અમે પહેલાથી જ માનવીય બાબતોના અન્ડર સેક્રેટરી જનરલ માર્ટિન ગ્રિફિથ્સને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે તેમને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે."
શું કહ્યું હતું ગુટેરેસે?
ગુટેરેસે મંગળવારે યુએન સિક્યુરિટી કાઉન્સિલની બેઠક દરમિયાન કહ્યું હતું કે, "હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ શૂન્યાવકાશમાં નથી થયા તે પણ સમજવું પણ મહત્વપૂર્ણ છે, પેલેસ્ટિનિયન લોકો 56 વર્ષથી ગૂંગળામણમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. " યુએન મહામંત્રીએ આગળ કહ્યું હતું કે "ગાઝાનાં લોકોએ તેમની જમીનને સતત હિંસાથી પીડિત જોઈ છે, તેમની અર્થવ્યવસ્થા અટકી ગઈ છે, તેમના લોકો વિસ્થાપિત થયા છે અને તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. તેમની દુર્દશાના રાજકીય ઉકેલ માટેની તેમની આશાઓ અદૃશ્ય થઈ ગઈ છે."
ગુટેરેસ સામે રોષ
ઇઝરાયલના વિદેશ પ્રધાન એલી કોહેને સુરક્ષા પરિષદને સંબોધિત કરતી વખતે ગુટેરેસની વાતને રદિયો આપતાં કહ્યું હતું કે "મિસ્ટર સેક્રેટરી જનરલ, તમે કઈ દુનિયામાં રહો છો?" ચોક્કસપણે આ આપણું વિશ્વ નથી." આ નિવેદન બાદ કોહેને ગુટેરેસ સાથેની ખાનગી બેઠક રદ કરી હતી.
''હમાસને વિશ્વમાંથી ભૂંસી નાખવું જોઈએ''
એલી કોહેને સો X પર જાહેરાત કરતા લખ્યું હતું કે "હું યુએન સેક્રેટરી-જનરલને મળીશ નહીં. 7 ઓક્ટોબર પછી સંતુલિત અભિગમ માટે કોઈ સ્થાન નથી. હમાસને વિશ્વમાંથી ભૂંસી નાખવું જોઈએ."
તાત્કાલિક રાજીનામાંની હાકલ
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂત, ગિલાડ એર્ડને X પરની એક પોસ્ટમાં, ગુટેરેસને "તાત્કાલિક" રાજીનામું આપવા હાકલ કરી હતી. તેમણે પોસ્ટ કરતા લખ્યું હતું કે "સુરક્ષા પરિષદની બેઠકમાં યુએન સેક્રેટરી-જનરલ દ્વારા આઘાતજનક ભાષણ આપવામાં આવ્યું છે. હવે એ નિર્ણાયક રીતે સાબિત થયું છે કે અમને કોઈ શંકા નથી કે સેક્રેટરી-જનરલ અમારા પ્રદેશની વાસ્તવિકતાથી સંપૂર્ણપણે અજાણ છે.'' એર્ડને વધુમાં જણાવ્યું હતું કે "તેમનું નિવેદન કે 'હમાસ દ્વારા કરાયેલા હુમલાઓ શૂન્યાવકાશમાં થયા ન હતા', આતંકવાદ અને હત્યા વચ્ચેના ભેદ માટેની તેમની સમજણને વ્યક્ત કરે છે. તે ખરેખર દુઃખદ છે કે હોલોકોસ્ટ પછી ઉભી થયેલી સંસ્થાના વડા આવા ભયાનક વિચારો ધરાવે છે." એર્ડને ગુટેરેસને "તત્કાલ" રાજીનામું આપવા માંગ કરી હતી. તેમણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં યહૂદી રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે "તેના સંબંધો પર પુનર્વિચાર" કરવા હાકલ કરવામાં આવી હતી.