• હમાસના અડ્ડા સુધી પહોંચ્યું ઈઝરાયેલનું સૈન્ય
  • સ્પીકરની ખુરશી પર આર્મી જવાનો બેસી ગયા
  • ઈઝરાયેલ હજું પણ લડી લેવાના મૂડમાં

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. વાસ્તવમાં, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના સૈનિકોએ ગાઝામાં હમાસની સંસદ પર કબજો કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયેલે તેના તાજેતરના દાવામાં કહ્યું છે કે હમાસે ગાઝા પટ્ટી પર નિયંત્રણ ગુમાવ્યું છે. આ પહેલા ઈઝરાયેલી સેનાએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં ઈઝરાયેલના સૈનિકો હમાસની સંસદમાં પોતાનો ધ્વજ લહેરાવતા જોવા મળે છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે સોમવારે ઈઝરાયેલના નેશનલ ટીવીને સંબોધિત કરતા કહ્યું કે ગાઝા પટ્ટી સંપૂર્ણપણે અમારા નિયંત્રણમાં છે.

અડ્ડાઓ પર કબજો

હવે હમાસના લડવૈયાઓ દક્ષિણ તરફ ભાગી રહ્યા છે. ત્યાંના સ્થાનિક લોકો હમાસના અડ્ડાઓને લૂંટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જો કે, આ સંઘર્ષનો અંત આવી રહ્યો નથી. યુદ્ધના કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 23 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે. ઈઝરાયેલની સેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં સેનાના જવાનો હમાસ સંસદમાં સ્પીકરની ખુરશી પર બેઠેલા જોવા મળે છે. ઈઝરાયેલનો ધ્વજ પણ ફરકાવ્યો. પેલેસ્ટિનિયન લેજિસ્લેટિવ કાઉન્સિલની ઇમારત 2007થી હમાસના નિયંત્રણમાં હતી, જેને હવે ઈઝરાયેલના દળોએ પોતાના નિયંત્રણમાં લઈ સ્થિતિ અંકુશમાં કરી લીધી છે.

યુદ્ધ બંધ થવા અંગે વાત કરી

આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે હમાસને સંપૂર્ણ રીતે નષ્ટ કર્યા પછી જ આ યુદ્ધ બંધ થવાનું છે, આવી સ્થિતિમાં ઈઝરાયેલની સેના ઝડપથી હમાસના ઠેકાણાઓને નષ્ટ કરી રહી છે. તારીખ 7 ઓક્ટોબરે હમાસે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો. ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં કુલ 1400 લોકો માર્યા ગયા હતા. આ સાથે હમાસે સેંકડો નાગરિકોને બંધક બનાવ્યા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલની કાર્યવાહીમાં પેલેસ્ટિનિયનોના મૃત્યુની સંખ્યા વધીને 11,240 થઈ ગઈ છે.

  • Follow us on: