- 14 દિવસ સુધી યુદ્ધ ચાલુ
- આ લડાઈમાં 10 અમેરિકી ગુમ છે
- યુદ્ધમાં 5500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા
ઈઝરાયેલની સાથેના યુદ્ધની વચ્ચે હમાસે 2 અમેરિકી વ્યક્તિઓને મુક્ત કર્યા છે. તેમાં એક મહિલા અને તેની દીકરી સામેલ છે. 2 અઠવાડિયા પહેલા એટલે કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા બાદ હમાસે બંનેને બંધક બનાવી લીધા હતા. હમાસે આ અમેરિકી માતા અને દીકરીને મુક્ત કર્યા છે. તેમની પાસે ઈઝરાયેલની નાગરિકતા પણ છે. આ બંને અમેરિકી હાલમાં ઈઝરાયેલમાં ઈઝરાયેલી અધિકારીઓ પાસે સુરક્ષિત છે, હમાસે ક્હ્યું કે તે કતર સરકારની સાથે એક કરારના આધારે તેમને છોડી રહી છે.
અમેરિકાએ પોતાના નાગરિકોને લઈને લેવાયેલા નિર્ણયને આવકાર્યો
અમેરિકાએ પોતાના નાગરિકોની મુક્તિને લઈને સ્વાગત કર્યું છે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમે તેમને મુક્ત કરાશે એ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. પણ આ લડાઈમાં 10 અમેરિકી ગુમ છે. અમે જાણીએ છીએ કે તેમાંથી કેટલાકને હમાસમાં બંધક બનાવાયા હશે. બ્લિંકને કહ્યું કે હમાસે હજુ પણ 200થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે. તેમાં અનેક દેશના પુરુષ, મહિલાઓ, યુવા છોકરાઓ-છોકરીઓ અને વૃદ્ધ લોકો સામેલ છે.
બ્લિંકને કતરનો માન્યો આભાર
બ્લિંકને કહ્યું કે દરેક અમેરિકીને મુક્ત કરવાનું કામ ચાલુ છે. ગાઝામાં ફસાયેલા અમેરિકીને સુરક્ષિત કરવાનું કામ સતત ચાલુ છે. હું કતર સરકારને તેમની મહત્વપૂર્ણ મદદ માટે ધન્યવાદ કરું છું. તેઓએ અમેરિકાના બંધકોને મુક્તિને સુનિશ્ચિત કરવા માટે દરેક મિનિટ અને દરેક દિવસે કામ કર્યું છે.
200 થી વધુ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં
હમાસની કસ્ટડીમાં હજુ પણ 200થી વધુ બંધકો છે. આ બંધકોમાં ઈઝરાયેલના નાગરિકો ઉપરાંત ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા સહિત ઘણા દેશોએ હમાસને નાગરિકોને મુક્ત કરવાની અપીલ કરી હતી. ઈરાને હમાસને બંધકોને મુક્ત કરવાની અપીલ પણ કરી હતી. આ સાથે ઈરાને ઈઝરાયેલને પેલેસ્ટાઈન અને ગાઝા પર હુમલો કરવાનું બંધ કરવાની પણ અપીલ કરી હતી.
14 દિવસ સુધી યુદ્ધ ચાલુ રહ્યું, 5500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષે 5500થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયેલમાં 1400થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ગાઝામાં 3000થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, આ યુદ્ધમાં 12,000 થી વધુ પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે. તે જ સમયે ઇઝરાયેલમાં પણ 4800 થી વધુ લોકો ઘાયલ થયા છે.









