ઈઝરાયલમાં રવિવારે સવારે ઈરાન સમર્થિત યમનના હૂતી વિદ્રોહીઓએ શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા હતા. આ ત્રીજી વખત હતું જ્યારે હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલની હવાઈ સુરક્ષામાં ઘૂસી આવ્યા હતા. આ હુમલો તેલ અવીવ અને બેન શેમેન જંગલમાં કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હૂતી વિદ્રોહીઓને કડક ચેતવણી આપી છે.
બેન્જામિન નેતન્યાહૂએ હૂતી વિદ્રોહીઓને આપી ચેતવણી
બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને લઈને કેબિનેટની બેઠક બોલાવી છે. આ પહેલા નેતન્યાહુએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'આજે સવારે હૂતીઓએ યમનથી અમારા પ્રદેશમાં સપાટીથી સપાટી પર માર કરતી મિસાઈલ છોડી હતી. તેમને અત્યાર સુધીમાં ખબર હોવી જોઈએ કે અમને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસ માટે અમે ભારે કિંમત વસુલીએ છીએ.
હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લીધી
યમનના હૂતી વિદ્રોહીઓએ રવિવારે સવારે ઈઝરાયલ પર સપાટીથી સપાટી પર માર મારનાર બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. ત્યાર બાદ ઈઝરાયલમાં સ્થાપિત એર ડિફેન્સ સિસ્ટમના એલર્ટ પછી સાયરન વાગવા લાગ્યા, જેનો અવાજ તેલ અવીવના પૂર્વથી મોડિન સુધી સંભળાયો. હૂતી લશ્કરી વિદ્રોહીઓના પ્રવક્તા યાહ્યા સરીએ બેલેસ્ટિક મિસાઈલ હુમલાની જવાબદારી લીધી હતી.
સુરક્ષા એજન્સી તપાસ હાથ ધરી
ઈઝરાયલ ટાઈમ્સ અનુસાર હૂતી અધિકારી નસ્ર અલ-દિન આમેરે કહ્યું કે, આ હુમલો દર્શાવે છે કે ઈઝરાયલની કવચ વ્યવસ્થા સંપૂર્ણપણે હવાઈ હુમલા માટે ખુલ્લી હતી. આ પછી ઇઝરાયલની સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે શું મિસાઇલ ઇઝરાયલની એરસ્પેસ સુધી પહોંચી છે. સુરક્ષા એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મિસાઈલને એન્ટ્રી પહેલા કેમ રોકી ન શકાઈ?
હુમલામાં કોઈને નુકસાન થયું નથી
રિપોર્ટ અનુસાર મિસાઈલથી બેન શેમેન જંગલ વિસ્તારને નુકસાન થયું છે. જેના કારણે બેન ગુરિયન એરપોર્ટથી થોડાક કિલોમીટર દૂર કેફર ડેનિયલ પાસે આગ લાગી હતી. તેલ અવીવથી લગભગ 25 કિલોમીટર પૂર્વમાં મોડિનની સીમમાં આવેલા એક રેલવે સ્ટેશનને પણ કેટલાક નુકસાનના સમાચાર છે.
ઈજાના કોઈ અહેવાલ નહીં
ઈઝરાયેલ ટાઈમ્સ અનુસાર સુરક્ષા એજન્સીએ સપાટીથી સપાટી પર માર કરતી મિસાઈલની ઓળખ કરી છે. આ મિસાઇલ યમનથી મધ્ય ઇઝરાયલના સૂમસામ વિસ્તારમાં પડી હતી. IDFએ જણાવ્યું હતું કે, મિસાઇલ ખુલ્લા વિસ્તારમાં અથડાઈ હતી, પરંતુ ઈજાના કોઈ અહેવાલ નથી.