ઈઝરાયલે એકવાર ફરીથી મધ્ય ગાઝાની અલ-અક્સા હોસ્પિટલ ઉપર સાત માસમાં આઠમો હુમલો કર્યો છે. આ ભયંકર હુમલામાં ત્રણ પેલેસ્ટાઈન નાગરિકો મોતને ભેટયા છે. એક પત્રકાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલે કરેલા હુમલામાં 47 પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ગાઝા પટ્ટીમાં આવેલી અલ-અક્સા હોસ્પિટલની ઈમરજન્સી બિલ્ડિંગની બહાર થયેલા આ હુમલા બાદ લોકો ડરના માર્યા નાસભાગ કરતા જોવા મળ્યાં હતાં. આ દરમિયાન ઈઝરાયલનું હેલિકોપ્ટર ઉપરથી ફાયરિંગ કરતું જોવા મળ્યું હતું. ઈઝરાયલી સેનાના વિમાનોએ અહીં બેઘર લોકોને આશરો આપતા ટેન્ટને પણ નિશાન બનાવ્યું હતું. જેમાં બે પેલેસ્ટાઈનનાં મોત થયા છે.

આ હુમલા બાદ ઈઝરાયલી સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હમાસના લડવૈયાઓ હોસ્પિટલ સંકુલમાં છુપાયેલા છે. તેમને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે હોસ્પિટલ પરિસરમાં હમાસના કોઈ લડવૈયા ન હતા. હુમલા દરમિયાન, હોસ્પિટલમાં માત્ર દર્દીઓ અને લોકો આશ્રય લઈ રહ્યા હતા. ઈઝરાયલે આ લોકોને જ નિશાન બનાવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઈઝરાયલે શનિવારે દેર અલ-બલાહ તેમજ ગાઝા પટ્ટીના અન્ય કેટલાક વિસ્તારો પર હુમલો કર્યો, જેમાં 44 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યો અને 81 ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલનો બોમ્બમારો બંધ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

શુક્રવારે પણ ઈઝરાયલના વિમાનોએ ગાઝા પટ્ટીના વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 39 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા, જ્યારે 123 ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર ગાઝા શહેરમાં ફહદ અલ-સબાહ નામની સ્કૂલ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં પાંચ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ખાન યુનિસના રેફ્યૂજી કેમ્પ પર થયેલા હુમલામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગાઝામાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે યુએનએ કહ્યું છે કે ઉત્તરી ગાઝા પટ્ટીના કેટલાક ભાગોમાં દુકાળ છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ માત્ર ગાઝા પર બોમ્બમારો નથી કરી રહ્યું પરંતુ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી પણ કરી રહ્યું છે. જેના કારણે અહીં પૂરતી માત્રામાં રાહત સામગ્રી પહોંચી રહી નથી. આવી સ્થિતિમાં પેલેસ્ટાઈનીઓને દરેક નાની-મોટી વસ્તુની જરૂર છે. લોકો ભૂખથી મરી રહ્યા છે.

  • Follow us on: