ફરી એકવાર ઈઝરાયલી સૈન્ય દળે લેબેનોનની રાજધાની બેરુતમાં ભીષણ હવાઈ હુમલો કર્યો છે. જ્યાં લેબેનોનના હિઝબુલ્લાના કાબૂ ધરાવતા વિસ્તારમાં ભારે હુમલા કર્યા છે. ઈઝરાયલી સૈન્યએ આ હુમલા કરતા 20થી વધુ લોકો મોતને ભેટયા છે. લેબેનોનના દક્ષિણી પરામાં મંગળવારે સવારથી રાત્રી સુધી એક ડઝન કરતા વધુ હુમલા કર્યા જેમાં બેરુતમાં ચારેબાજુ ધૂમાડો ફેલાઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર નાગરિકોને ચેતવણી આપ્યા છતા ઈઝરાયલી સૈન્યએ કહ્યું કે તેને બેરુતના હિઝબુલ્લાના ઠેકાણાઓ પર હુમલા કર્યા અને પછી તેને જણાવ્યું કે, તેના જૂથે મોટાભાગના હથિયારો અને મિસાઈલ સુવિધાઓનો નાશ કર્યો છે. ઈઝરાયલે કહ્યું કે, બેરુતના નાગરિકોને ઓછું નુકસાન કરવા પગલાં લીધા છે. હિઝબુલ્લા જાણી જોઈને ત્યાંના સ્થાનિકોને માનવ ઢાલ બનાવીને ઉપયોગ કરે છે. હિઝબુલ્લા નાગરિક વિસ્તારમાં ઘુસી જાય છે.
હિઝબુલ્લાએ પણ ઈઝરાયલ પર વળતો હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર, ઉત્તરી ઈઝરાયલના નાહરિયા શહેરમાં એક ઈમારત પર હુમલો થતા બે લોકોનાં મોત થયા છે. બાદમાં હિઝબુલ્લાએ ડ્રોન હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને કહ્યું કે, આનો ટાર્ગેટ નાગરિયા શહેરના પૂર્વમાં એક સૈન્ય છાવણીને ટાર્ગેટ કરવાનો હતો. ઈઝરાયલના ઉત્તરમાં ડ્રોન હુમલાને લીઝે ઈઝરાયલીઓને શરણ લેવાની નોબત આવી છે. બચાવ કર્મચારીઓએ જણાવ્યું કે, એક વિસ્ફોટ હાઈફા ઉપનગરમાં એક બાલમંદિરના સંકુલમાં થયો હતો. જ્યાં બાળકોને આશરો આપવામાં આવ્યો હતો. જો કે, આ હુમલામાં કોઈને ઈજા નહોતી થઈ.
લેબેનોનને ભારે નુકસાન થયું
ઈઝરાયલના હુમલામાં લેબનોનને મોટું નુકસાન થયું છે. લેબેનોન દેશના મધ્યમાં માઉન્ટ પ્રાંતમાં ઈઝરાયલના હુમલામાં બેરૂતના દક્ષિણપૂર્વમાં બાલચમે ગામમાં આઠ લોકો અને ચૌફ જિલ્લાના જોન ગામમાં 15 લોકો માર્યા ગયા હતા. દક્ષિણમાં, ટેફાહતા પર ઈઝરાયલના હુમલામાં પાંચ લોકો, નાબાતીહ પરના હુમલામાં બે અને દરિયાકાંઠાના શહેર ટાયરમાં એક લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી અનુસાર, ઉત્તરપૂર્વમાં હર્મેલમાં હુમલામાં અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. ઈઝરાયલે સપ્ટેમ્બરમાં ત્યાં બોમ્બમારો શરૂ કર્યો ત્યારથી બેરૂતના રહેવાસીઓ મોટાભાગે દક્ષિણ ઉપનગરોમાંથી ભાગી ગયા છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા હુમલાઓમાંથી એકના ફૂટેજમાં બે મિસાઈલો લગભગ 10 માળની ઈમારતને અથડાતી, તેને તોડી પાડતી અને કાટમાળના વાદળો ઉડતી દેખાતી હતી.