હમાસ ચીફ અને ઈઝરાયલ પર ગત વર્ષની સાતમી ઑક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર એવલા યાહ્યા સિનવાર મોતને ભેટી ચુક્યો છે. સિનવારની ઓટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈઝરાયલના ફોરેન્સિક સંસ્થાના અધિકારીએ જણાવ્યું કે, સિનવારનું મોત માથા પર ગોળી વાગવાથી થયું હતું. તબીબે વધુમાં જણાવ્યું કે નાની મિસાઈલ અથવા ટેંકના છરા લાગવાથી તેના માથાનો એક ભાગ કચડાઈ ગયેલો હતો. જેમાંથી ખૂબ વધુ પ્રમાણમાં લોહી વહી ગયું હતું.
ડાબા હાથની આંગળી કપાયેલી હતી : ડૉકટર
મૃતક યાહ્યા સિનવારનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું કે, મોતના 24 કલાકથી 36 કલાક પછી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. સિનવારની લાશને ઈઝરાયલી સેનાને સોંપી દેવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું કે, હમાસ ચીફ યાહ્યા સિનવારનો ડાબો હાથ ખરાબ રીતે ઈજાગ્રસ્ત હતો. તેના પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. એટલું જ નહિ મૃતદેહનો ડાબા હાથની એક આંગળી કપાયેલી હતી. ઈઝરાયલી સેનાએ સિનવારની ઓળખ માટે તેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા હતા. આ માટે ઈઝરાયલી સૈનિકોએ તેના મૃતદેહના જમણા હાથની આંગળી કાપીને તપાસ માટે મોકલી આપી હતી.

હમાસ ચીફ યાહ્યા સિનવાર આશરે બે દાયકાથી વધુ ઈઝરાયલની જેલમાં હતો. તેથી ઈઝરાયલ માટે તેના ડીએનએનું પરીક્ષણ કરવું સરળ હતું. ઈઝરાયલની સેના પાસે સિનવાર સાથે સંકળાયેલી તમામ માહિતી હતી જે તપાસ દરમિયાન મેચ થઈ હતી.
યાહ્યા સિનવર સામાન્ય કામગીરીમાં હણાયો હતો
ગત બુધવારે આઈડીએફ ડિવિઝન 162 અને 828 બ્રિગેડ રફાહએ ગાઝામાં એક સામાન્ય ઓપરેશન દરમિયાન ત્રણ હમાસ લડવૈયાઓને જોયા, જ્યારે તેમાંથી બે એક બિલ્ડિંગમાં છુપાઈ ગયા હતા . જ્યારે ઈઝરાયલી ગ્રાઉન્ડ ફોર્સના જવાનોએ આ ઈમારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તો અંદરથી તેમના પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. આ પછી ઈઝરાયલના સૈનિકોએ ઈમારતની અંદર ડ્રોન મોકલ્યું હતું.
ડ્રોન વીડિયોમાં સિનવાર ઈજાગ્રસ્ત જોવા મળ્યો હતો
ઈઝરાયલની સેનાએ આ ડ્રોન દ્વારા કેપ્ચર કરાયેલા ફૂટેજ જાહેર કર્યા છે જેમાં એક ઘાયલ વ્યક્તિ ખંડેર ઈમારતની અંદર સોફા પર બેઠેલો જોવા મળે છે. તેણે પોતાનો ચહેરો કાફિયા (સ્કાર્ફ) વડે ઢાંક્યો છે અને તેના હાથમાં લાકડી દેખાય છે ત્યારે ઈઝરાયેલી ડ્રોન માણસની નજીક જાય છે, તે લાકડી ફેંકીને ડ્રોનને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. આ પછી ઈઝરાયલની સેનાએ ટેન્ક વડે ઈમારત પર હુમલો કર્યો અને ત્યાંથી રવાના થઈ ગયા. બીજા દિવસે જ્યારે તે પાછો ફર્યો અને કાટમાળમાં શોધ્યો ત્યારે તેને આશ્ચર્ય થયું. બિલ્ડિંગના કાટમાળમાં મૃત્યુ પામેલ વ્યક્તિ યાહ્યા સિનવાર જેવો દેખાતો હતો, તેના ચહેરા, દાંત અને હાથમાં પહેરેલી ઘડિયાળ પરથી સિનવારને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સૌથી યોગ્ય વિકલ્પ ડીએનએ ટેસ્ટ કરાવવાનો હતો. તેથી, ઈઝરાયલી સૈનિકોએ શરીર પરથી એક આંગળી કાપી નાખી અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો, જે બાદ ગુરુવારે મોડી સાંજે સિનવારના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.










