- ગાઝા પટ્ટી પર મિસાઇલ એટેક કરીને વેપારી ટનલોને નિશાન બનાવી
- વિદેશી ભંડોળનું સંચાલન કરતી ઇસ્લામિક નેશનલ બેંક ધ્વસ્ત કરી નાખી
- આતંકવાદી સંગઠન હમાસના ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા
ઈઝરાયેલ પર હુમલો હમાસ માટે મોટી સમસ્યા બની ગયો છે. હમાસના હુમલાનો જવાબ આપતા ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં મોટો વિનાશ વેર્યો છે. યુદ્ધ ચાલી રહ્યું છે અને બંને તરફથી રોકેટ, બોમ્બ અને ગોળીબાર સતત કરવામાં આવી રહી છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથના ઠેકાણાઓને ટાર્ગેટ કરી ખતમ કરીને ઇઝરાયેલે હમાસની કમર ત્રણ રીતે તોડી નાખી છે, જેમાંથી બહાર આવવું તેના માટે ખૂબ મુશ્કેલ હશે. પ્રથમ યુદ્ધની ઘોષણા સાથે, ઇઝરાયલે ગાઝાને વીજળી, પાણી અને ખોરાકનો પુરવઠો બંધ કરી દીધો અને હવે વેપાર ટનલ બંધ કરવાની સાથે, તેણે તેના ક્રિપ્ટો એકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરી દીધા છે જેના દ્વારા તે ભંડોળ એકત્ર કરી રહ્યું હતું.
ઇઝરાયલે ઠાર માર્યા 1500 આતંકીઓ
હમાસને ખતમ કરવા માટે ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીની ઘેરાબંધી કરીને જે તબાહી મચાવી છે તેની તસવીરો વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. ગત શનિવારે હમાસે 5,000 રોકેટ ફાયર કરીને યુદ્ધની શરૂઆત કરી હતી અને હવે લાગે છે કે ઇઝરાયેલ બદલો લેશે અને ટૂંક સમયમાં તેનો અંત લાવશે. ગાઝા પટ્ટીમાં સર્વત્ર ચીસો, શોક અને ધુમાડાના વાદળો દેખાઈ રહ્યા છે. દરમિયાન, ઇઝરાયેલ સંરક્ષણ દળે માહિતી આપતા કહ્યું છે કે દેશમાં ઘૂસેલા 1500 હમાસ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, હમાસને ખતમ કરવા માટે 3 લાખ જેટલા રિઝર્વ ફોર્સના જવાનોને ફેસ ટૂ ફેસ હુમલો કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જણાવીએ કે કેવી રીતે ઇઝરાયલે ત્રણ રીતે હમાસની કમર તોડી નાખી. ઈઝરાયેલનું કહેવું છે કે આ વખતે તેનો હેતુ હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો છે. આ માટે તેના પર ચારે બાજુથી હુમલો કરવામાં આવી રહ્યો છે.
પહેલો પ્રહાર:
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના ઠેકાણા ગાઝા પટ્ટી પર મિસાઇલ એટેક કરીને ઇઝરાયલે ટનલોને નિશાન બનાવી છે જ્યાંથી વેપારી અને અન્ય માલ ગાઝામાં પ્રવેશતો હતો. એક રિપોર્ટ અનુસાર આ માલ ઇજિપ્તથી આવે છે. જો કે, 2013માં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના દળોએ તેના પ્રદેશમાં પ્રવેશતી મોટાભાગની સુરંગોને બંધ કરી દીધી હતી, જ્યારે તેણે સિનાઇ દ્વીપકલ્પની સરહદ પર સ્વ-ઘોષિત ઇસ્લામિક સ્ટેટના એક જુથ સામે આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. બાદમાં પાંચ વર્ષ બાદ એટલે કે વર્ષ 2018માં ઇજિપ્તે તેના સલાહ અલ-દિન બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝા પટ્ટીમાં કેટલાક વ્યાપારી માલસામાનને પ્રવેશવાની મંજૂરી આપવાનું શરૂ કર્યું.
અહેવાલ મુજબ, 2021 સુધીમાં હમાસે કથિત રીતે ગાઝામાં આયાત કરાયેલ ઇજિપ્તની ચીજવસ્તુઓ પર દર મહિને 12 મિલિયન ડોલરથી વધુ ટેક્સ એકત્રિત કર્યો હતો. આ મુજબ, તેને આ ટનલમાંથી ટેક્સ દ્વારા વાર્ષિક 140 મિલિયન ડોલરથી વધુની આવક થતી હતી. આ ટનલનો ખાતમો હમાસ માટે મોટો ફટકો સાબિત થશે.
બીજો પ્રહાર:
હવે વાત કરીએ હમાસ પર ઇઝરાયલના બીજા પ્રહારની, જેણે તેની આર્થિક શક્તિ લગભગ ખતમ કરી નાખી. વાસ્તવમાં, હમાસના પોતાના ઓપરેશન્સ માટે વિદેશી ભંડોળનું સમગ્ર સંચાલન ગાઝા સ્થિત ઇસ્લામિક નેશનલ બેંક દ્વારા કરવામાં આવતું હતું. ઇઝરાયેલના જવાબી હુમલાને કારણે હમાસનો આ સૌથી મોટો આર્થિક આધાર ખતમ થઈ ગયો છે. હા, ગાઝા ઈસ્લામિક નેશનલ બેંકના ધ્વસ્ત થવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ નેશનલ બેંકનું સંચાલન હમાસ દ્વારા કરવામાં આવતું હતું અને આ સંસ્થાના તમામ કામકાજમાં મદદ માટે મળતા નાણાંનું સંચાલન આ બેંક દ્વારા કરવામાં આવે છે. અલ-અક્સા ઇસ્લામિક બેંકની સ્થાપના હમાસ દ્વારા 1997 માં 20 મિલિયન ડોલરની રકમની સાથે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં સંગઠનના નાણાકીય હાથ તરીકે સેવા આપવા માટે કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે 1999 માં સંચાલન કરવાનું શરૂ કર્યું.
ત્રીજો પ્રહાર
ઇઝરાયલ હમાસના આર્થિક ઠેકાણાઓ પરના બે તરફથી હુમલા કરીને ન અટક્યું. પરંતુ, ત્રીજા મોટા હુમલામાં તેણે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે.
અહેવાલ મુજબ, ઇઝરાયેલ પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આતંકવાદી સંગઠન હમાસ ગત શનિવારથી ભંડોળ એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા તેના ક્રિપ્ટો એકાઉન્ટ્સનો ઉપયોગ કરી રહ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલ પોલીસની લાહવ 433 યુનિટની સાયબર બ્રાન્ચ દ્વારા હમાસના ક્રિપ્ટો એકાઉન્ટ્સને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binance એ હમાસ આતંકવાદીઓના ક્રિપ્ટો એકાઉન્ટ શોધવા અને બંધ કરવામાં પણ મદદ કરી છે.