- ગાઝાના લોકોને ઘર બહાર નહીં નીકળવા મહેતલ, સંદેશા વ્યવહાર ઠપ
- અમેરિકા પોતાના સૈનિકોને લડવા માટે ઈઝરાયેલ કે ગાઝામાં નથી મોકલી રહ્યું : કમલા હેરિસ
- 24 કલાકમાં હમાસના 600 ઠેકાણા પર હુમલા
ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 24મો દિવસ છે. તે દરમિયાન જમીની કાર્યવાહી માટે ઈઝરાયેલી સેનાએ ગાઝા શહેરમાં ટેન્કો સાથે પ્રવેશ કર્યો છે. ગાઝાના જેનિન વિસ્તારમાં સેનાએ પ્રવેશ કરતાં યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇનની ઉત્તરથી દક્ષિણ સુધીની સડક બ્લોક થઈ ચૂકી છે.અલ ઝઝીરાના જણાવ્યા મુજબ લોકોને ઘરોમાં રહેવા મહેતલ આપવામાં આવી છે. સંદેશા વ્યવહાર ઠપ છે. ગાઝાથી બહાર નીકળવાના રસ્તા સેનાએ બ્લોક કરી દીધા છે. જેનિન વિસ્તારમાં ઈઝરાયેલી સેના પેલેસ્ટાઇનવાસીઓએ પથ્થરમારો કર્યો હતો. એક અહેવાલ મુજબ ઈઝરાયેલી એર સ્ટ્રાઇકમાં હમાસની જેનિન બ્રિગેડનો વડો વાયમ અલ હાનૂન માર્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ આ પહેલાં અનેકવાર ગાઝા પટ્ટીમાં વસી રહેલા 11 લાખ લોકોને ગાઝા ખાલી કરી દેવા ચેતવણી આપી ચુક્યું છે.
ઇઝરાયલ ગાઝા પર જમીની હુમલા ઉપરાંત આકાશમાંથી બોમ્બ વરસાવી રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે ગાઝા સામે રાત ભર ચાલેલી સૈન્ય કાર્યવાહી દરમિયાન સંખ્યાબંધ ત્રાસવાદી ઠાર થયા હતા. વીતેલા 24 કલાકમાં ગાઝામાં હમાસના 600 ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા હતા.










