- ઈઝરાયલી મંત્રીના અલ-અક્સામાં પ્રવેશને સાઉદી અરબે હુમલો ગણાવ્યો
- જોર્ડને ઈઝરાયલી મંત્રીના પ્રવેશને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું
- અમેરિકાએ પણ ઈઝરાયલી મંત્રીના અલ-અક્સામાં પ્રવેશને અસ્વીકાર્ય ગણાવ્યો
ઇઝરાયલના દક્ષિણપંથી નેતા અને રાષ્ટ્રીય સુરક્ષા મામલોમાં મંત્રી ઇત્તેમાર બેન ગીવિરે મંગળવારે અલ અક્સા મસ્જિદની મુલાકાત લેવા અને ત્યાં નમાજ પઢવાને લઇને ભારે વિવાદ સર્જાયો છે. ફિલિસ્તીન અને ઈઝરાયલ વચ્ચે વિવાદનું કેન્દ્ર બનેલી મસ્જિદમાં વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના મંત્રી એકલા નહોતા ગયા, પરંતુ તેઓ હજારો ઈઝરાયલીઓ સાથે મસ્જિદ સંકુલમાં પ્રવેશ્યા હતા. આને લઈ સાઉદી અરબ ઈઝરાયેલ પર નારાજ છે અને અમેરિકાએ પણ તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે.
70 BCમાં રોમનોએ હુમલો કરી તોડી નાખ્યું હતું
મંગળવારે યહૂદી તિશા બે અબ અથવા યહૂદી શોક દિવસની યાદમાં બેન ગીવિરે મસ્જિદ પરિસરમાં પ્રવેશ્યા હતા. યહૂદીયોના પ્રાચીન મંદિર પર 70 BCમાં રોમનોએ હુમલો કરી તોડી નાખ્યું હતું. જેની શોક દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે.
સાઉદી અરબે મંત્રીના પ્રવેશને હુમલો ગણાવ્યો
સાઉદી અરબે અલ-અક્સા મસ્જિદમાં ઈઝરાયેલના મંત્રીના પ્રવેશને હુમલો ગણાવ્યો છે અને તેની નિંદા કરી છે. સાઉદીએ કહ્યું છે કે, જેરુસલેમની ઐતિહાસિક યથાસ્થિતિનું સન્માન કરવું જોઈએ. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કિંગડમ ઇઝરાયલી કબજાના અધિકારીઓ અલ-અક્સા મસ્જિદમાં ખુલ્લેઆમ અને સખત હુમલાની સખત શબ્દોમાં નિંદા કરે છે.
વિશ્વભરના લાખો મુસ્લિમોને ઉશ્કેરવાના ગંભીર પરિણામો આવી શકે
નિવેદનમાં ધાર્મિક પવિત્રતાનું સન્માન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે-સાથે સાઉદી અરબે ચેતવણી આપી છે કે 'આંતરરાષ્ટ્રીય કાનૂન અને જેરુસલેમની ઐતિહાસિક યથાસ્થિતિનું સતત ઉલ્લંઘન અને વિશ્વભરના લાખો મુસ્લિમોને ઉશ્કેરવાના ગંભીર પરિણામો આવી શકે છે. સાઉદી વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યુ કે, ઇઝરાયેલ દ્વારા સતત થઈ રહેલ ઉલ્લંઘનને રોકવા માટે તેમની જવાબદારી નિભાવવા આવે.
અલ-અક્સા મસ્જિદનું મહત્વ
અલ-અક્સા મસ્જિદ મુસલમાનો માટે અલ-હરમ અલ શરીફના નામથી પ્રખ્યાત ઇસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળમાંથી એક છે. મસ્જિદ પરિસરમાં ડોમ ઓફ ધ રોક પણ સામેલ છે. ઇઝરાયલી મસ્જિદ પરિસરને ટેમ્પલ માઉન્ટ કહેવામાં આવે છે અને આ સ્થળને યહૂદીઓ માટે સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
મસ્જિદ પરિસરમાં યહૂદીઓ અને અન્ય બિન-મુસ્લિમો પ્રાર્થના કરી શકતા નથી
મસ્જિદ પરિસરમાં યહૂદીઓ અને અન્ય બિન-મુસ્લિમોને પ્રવેશવાની છૂટ છે, પરંતુ તેઓ ત્યાં પ્રાર્થના કરી શકતા નથી અથવા કોઈ ધાર્મિક પ્રતીકો પ્રદર્શિત કરી શકતા નથી. પરંતુ તાજેતરના વર્ષોમાં બેન ગીવિર જેવા દક્ષિણપંથી રાષ્ટ્રવાદી નેતાઓએ આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉલ્લંઘનોને કારણે ફિલિસ્તીનીયો તરફથી હિંસક પ્રતિક્રિયાઓ આવી રહી છે.
જોર્ડને પણ વિરોધ કર્યો
જોર્ડન પર અલ-અક્સા મસ્જિદની સુરક્ષાની જવાબદારી છે. બેન ગીવિરનું મસ્જિદ પરિસરમાં પ્રવેશ પર જોર્ડને પણ આપત્તિ વ્યક્ત કરી છે. જોર્ડનના વિદેશ મંત્રાલયે પણ મસ્જિદ પરના હુમલાની નિંદા કરી અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા સુફયાન અલ-કુદાહે નિવેદન આપ્યું કે, જેરુસલેમની ઐતિહાસિક અને કાનૂની યથાસ્થિતિનું સતત ઉલ્લંઘન કરવા માટે સ્પષ્ટ અને મક્કમ આંતરરાષ્ટ્રીય સ્થિતિની જરૂર છે જે આ ઉલ્લંઘનોની નિંદા કરે.
અમેરિકાએ શું કહ્યું?
ઈઝરાયલના સહયોગી દેશ અમેરિકાએ પણ ઈઝરાયલી મંત્રીના અલ-અક્સામાં પ્રવેશને અસ્વીકાર્ય ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે પત્રકારોને જણાવ્યું કે, હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે અમેરિકા જેરુસલેમના પવિત્ર સ્થળોના સંદર્ભમાં ઐતિહાસિક યથાસ્થિતિનું રક્ષણ કરવા મક્કમપણે ઊભું છે.
કોઈપણ એકપક્ષીય કાર્યવાહી જે યથાસ્થિતિને જોખમમાં મૂકે તે અસ્વીકાર્ય
વેદાંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આવી કોઈપણ એકપક્ષીય કાર્યવાહી જે યથાસ્થિતિને જોખમમાં મૂકે તે અસ્વીકાર્ય છે. અમે ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છીએ, એવામાં આ પગલું પણ સમજૂતીમાં અવરોધ બની શકે છે.