- ઈઝરાયેલના PM નેતન્યાહુએ હવે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી
- 'અમે યુદ્ધમાં છીએ અને અમે જીતીશું:ઈઝરાયેલના PM
- આપણા દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વમાં વધુ એક યુદ્ધ શરૂ થયું છે. આજે શનિવારે ગાઝા પટ્ટીમાંથી હમાસ દ્વારા ઈઝરાયેલ પર મોટા પ્રમાણમાં રોકેટ હુમલા કરવામાં આવ્યા છે. હુમલા બાદ ઈઝરાયેલના PM નેતન્યાહુએ હવે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ સાથે જ રક્ષા મંત્રી યોવ ગેલન્ટે પણ દેશભરના નાગરિકોને એલર્ટ કર્યા છે. ગેલન્ટે કહ્યું હતું કે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ સામે "યુદ્ધ" શરૂ કર્યું છે. આ ગંભીર ભૂલનું પરિણામ હમાસ ચોક્કસપણે ભોગવશે.
ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને હમાસને કડક ચેતવણી આપી છે. હુમલા અંગે ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે, 'અમે યુદ્ધમાં છીએ અને અમે જીતીશું. આપણા દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
ઈઝરાયેલ યુદ્ધ જીતશે: રક્ષામંત્રી યોવ ગેલન્ટ
રક્ષામંત્રી યોવ ગેલન્ટે દેશભરના નાગરિકોને એલર્ટ કર્યા છે. ગેલન્ટે કહ્યું હતું કે, 'પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. આ ગંભીર ભૂલનું પરિણામ હમાસ ચોક્કસપણે ભોગવશે. ગેલન્ટે એક નિવેદનમાં કહ્યું હતું કે, હમાસે આજે સવારે એક ગંભીર ભૂલ કરી છે. ઈઝરાયેલે પણ હવે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ઇઝરાયેલની સેના દરેક જગ્યાએ દુશ્મનો સામે લડી રહી છે. હું તમામ ઇઝરાયેલી નાગરિકોને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા કહું છું. તેમણે ટ્વિટર પરના એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું. ઇઝરાયેલ રાજ્ય આ યુદ્ધ જીતશે.
યેરુસલેમમાં સાયરન સતત ગુંજી
ઈઝરાયેલી સેનાનું કહેવું છે કે તે ગાઝા પટ્ટીમાં કેટલાક ટાર્ગેટને નિશાન બનાવી રહી છે. આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી છે. યરુસલેમમાં હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વાગી રહ્યા છે. અગાઉ હમાસની લશ્કરી નેતાએ નવી લશ્કરી ઝુંબેશના ભાગરૂપે ઇઝરાયેલ પર 5,000થી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો.
ઇઝરાયેલ સામે નવા લશ્કરી અભિયાનની શરૂઆત: હમાસ
પેલેસ્ટાઈન આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર એવા સમયે રોકેટ છોડવામાં આવ્યું છે જ્યારે હાલમાં ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે અસ્થિર સરહદ પર અઠવાડિયાથી તણાવનું વાતાવરણ હતું. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના નેતા મોહમ્મદ દેઈફે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસે ઈઝરાયલ વિરુદ્ધ નવું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશનને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’ નામ આપવામાં આવ્યું છે.