- PIAના પાયલટોએ સરકાર સામે મોરચો ખોલ્યો
- પાકિસ્તાન છોડી વિદેશ જઈ રહ્યા છે પાઈલોટ્સ
- પાઈલોટ ફ્લાઇટનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે
પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિ વચ્ચે દેશની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન (PIA)ના પાયલટોએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે. પાયલટોનું કહેવું છે કે પવિત્ર રમઝાન મહિનામાં પણ તેમને તેમનો બાકી પગાર નથી મળી રહ્યો. આ કારણે તેઓ પાયલટની ફ્લાઇટનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે.
પાકિસ્તાન સરકારી એરલાઇન્સ નાણાકીય કટોકટીમાં
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનના પાયલોટ નિરાશ છે કારણ કે તેમને રમઝાન મહિનામાં પણ તેમનો બાકી પગાર મળ્યો નથી. નાણાકીય કટોકટી વચ્ચે, ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) એ PIAના ખાતામાંથી 1.4 બિલિયન રૂપિયા ઉપાડી લીધા છે, જ્યારે નાણાં મંત્રાલયે PIA એડમિનિસ્ટ્રેશન દ્વારા ખાતામાં 0.3 બિલિયન રૂપિયા જમા કરાવ્યા છે. આ સિવાય FBR પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનને આગામી સપ્તાહ સુધીમાં 1.7 અબજ રૂપિયાની ટેક્સ રકમ જમા કરાવવાની માંગ કરી રહી છે.
પાઈલોટ્સ પ્લેન ઉડાવવાનું બંધ કરી શકે છે
PIA કર્મચારીઓની માંગ છે કે સરકારે વર્તમાન મોંઘવારી અને રમઝાન મહિના વચ્ચે તેમનો પગાર અટકાવવો જોઈએ નહીં. આ સિવાય પાયલટ પણ વિમાન ન ઉડાડવાનું વિચારી રહ્યા છે. અગાઉ, નાણા પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (CAA), પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) અને પાકિસ્તાન રેલ્વેના પ્રોજેક્ટને લાગુ કરવા માટે દરેક સંભવિત રીતે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
દેશ છોડી જઈ રહ્યા છે પાઈલોટ્સ
ગયા મહિનાની શરૂઆતમાં, પાકિસ્તાની સંસદની ઉડ્ડયન બાબતોની સ્થાયી સમિતિએ માહિતી આપી હતી કે દેશમાં મોટી સંખ્યામાં પાઇલટ તાજેતરમાં જ દેશ છોડી ગયા છે. નાદાર સરકારી એરલાઈન્સ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના સીઈઓ આમિર હયાતે જણાવ્યું હતું કે તાજેતરમાં જ 15 પાઈલટ દેશ છોડી ગયા છે.









