- ઇટાલીના વિજ્ઞાનીઓએ ચંદ્ર પર વસવાટ માટે યોગ્ય ગુફા શોધી કાઢી હોવાનો દાવો કર્યો
- અમેરિકાનું એપોલો 11 અભિયાન લેન્ડ થયું હતું ત્યાંથી 250 માઇલ દૂર આ ગુફા આવેલી છે
- ગુફા ઓછામાં ઓછી 40 મીટર પહોળી અને 10 મીટર અથવા તેના કરતા પણ વધારે લાંબી
ચંદ્ર પર તમામ ઉપગ્રહો અને અવકાશયાન મોકલીને દુનિયાભરના દેશો જાત-જાતના અને ભાત-ભાતના રહસ્યો ઉઘાડા પાડી રહ્યા છે. ગયા વર્ષે ઇસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચી દીધો હતો.
ચંદ્રયાન-3એ ચંદ્રની ધરતી પર પાણી, સલ્ફર સહિતની ઘણી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની તપાસ કરી હતી અને સાબિત કર્યુ હતું કે ભવિષ્યમાં ચંદ્ર માનવીય વસવાટ માટે એક યોગ્ય વિકલ્પ બની શકે છે. હવે આ જ ક્રમમાં વિજ્ઞાનીઓએ વધુ એક ખુશખબર આપ્યા છે. વિજ્ઞાનીઓએ ચંદ્ર પર માનવીના વસવાટ માટે અનુકૂળ એવી જગ્યાની જાણકારી પ્રાપ્ત કરી લીધી છે. ઇટાલીના વિજ્ઞાનીઓએ ચંદ્ર પર એક વિશાળ ગુફા શોધી કાઢી છે. આ સ્થળ 55 વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગ અને બજ એલ્ડ્રિન જે સ્થળે ચંદ્ર પર લેન્ડ થયા હતા તે જગ્યાથી થોડા અંતરે આવેલા છે. આ સ્થળ પર સેંકડો ગુફાઓ હોઇ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રના જે સ્થળે વિશાળ ગુફાની જાણકારી મળી છે ત્યાં આવી સેંકડો અન્ય ગુફાઓ હોઇ શકે છે જેમનો ઉપયોગ ભવિષ્યમાં અવકાશ યાત્રીઓના આશ્રય સ્થળના રુપમાં કરી શકાય છે. ઇટાલીના વિજ્ઞાનીઓએ સોમવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર ખાસ્સી મોટી ગુફાના પુરાવા મળ્યા છે. તે એપોલો 11ના લેન્ડિંગ સાઇટથી 250 માઇલ (400 કિલોમીટર) દૂર સીફ ઓફ ટ્રાન્ક્વિલિટીમાં આવેલી છે.










