• એમ્પિલ વાવાઝોડાની અસર જાપાનમાં વર્તાઇ
  • વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને અસર 
  • 600થી વધુ ફ્લાઇટ રદ,હાઈ-સ્પીડ ટ્રેન સેવા પ્રભાવિત

એમ્પિલ વાવાઝોડાની અસર જાપાનમાં દેખાવા લાગી છે. આ તોફાન જાપાનના મુખ્ય ટાપુ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને અસર થઈ છે. તોફાનના કારણે સરકારે ભૂસ્ખલન અને પૂરની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને જોખમોથી સાવચેત રહેવાની સલાહ આપી છે. કંપનીઓએ કર્મચારીઓને વહેલા ઘરે પરત ફરવા વિનંતી કરી છે. 

ભારે પવન ફૂંકાઈ રહ્યો છે

તોફાનને કારણે જાપાનમાં સેંકડો ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી છે અને લગભગ 10,000 ઘરોને ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે. ટાયફૂન એમ્પિલને "ખૂબ જ મજબૂત" રેટ કર્યું છે. તોફાન ટોક્યો નજીક પહોંચી ગયું છે. વાવાઝોડાને કારણે 216 કિલોમીટર પ્રતિ કલાક (134 માઈલ પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં વીજળી પણ ખોરવાઈ ગઈ છે. લગભગ 120,000 મુસાફરોને અસર કરતા 600 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તોફાનના કારણે ટોક્યો અને નાગોયા વચ્ચેની હાઇ-સ્પીડ શિંકનસેન ટ્રેન સેવાઓ પણ અટકાવી દેવામાં આવી છે.


જાપાનમાં ભૂકંપ આવ્યો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. દક્ષિણ જાપાનમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારો મિયાઝાકી, કોચી, ઈહિમે, કાગોશિમા અને આઈતામાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. 



  • Follow us on: