માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતને બહાર કરવાના એટલે કે, ઈન્ડિયા આઉટ નીતિ કે એજન્ડાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેઓએ જણાવ્યું કે, તેમના દેશમાં વિદેશી સૈન્યની હાજરી દ્વીપક્ષીય દેશ માટે ગંભીર સમસ્યા હતી. યુનોમહાસભાના 79મા સત્રમાં સામેલ થવા માટે અમેરિકા પહોંચેલા મુઈજ્જુએ ત્યાંની યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આ અંગેનું નિવેદન આપ્યું હતું.
'કોઈ દેશ વિરુદ્ધ નથી'
મળતી માહિતી અનુસાર મુઈદજ્જુએ જણાવ્યું કે "અમે ક્યારેય કોઈ પણ દેશની વિરુદ્ધ નથી રહ્યા. આ ભારતને બાકાત રાખવાનું નથી (ઈન્ડિયા આઉટ). માલદીવના લોકો તેમના દેશમાં વિદેશી સૈનિકોની હાજરીને કારણે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, "માલદીવના લોકો નથી ઈચ્છતા કે એક પણ વિદેશી સૈનિક દેશમાં રહે."
'અપમાન સહન કરી શકાતું નથી'
માલદીવના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવા બદલ નાયબ મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સમાચારમાં તેમને ટાંકવામાં આવ્યા હતા, “કોઈએ આવી વાત ન કરવી જોઈએ. મેં તેની સામે પગલાં લીધાં છે. હું કોઈનું પણ આ પ્રકારનું અપમાન સહન નહીં કરું, પછી તે નેતા હોય કે સામાન્ય માણસ. દરેક વ્યક્તિની પોતાની પ્રતિષ્ઠા હોય છે.”
એક વર્ષથી સંબંધો વણસ્યા હતા
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં ચીન તરફ વલણ ધરાવતા મુઈજુએ માલદીવના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ બની ગયા હતા. મુઈઝુએ ભારતને ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું હતું. આ પછી ભારતે 10 મે સુધીમાં પોતાના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચી લીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના નાયબ મંત્રીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમની પોસ્ટ માટે ભારતીય વડાપ્રધાનની ટીકા કરી હતી. તેમના મતે, આ લક્ષદ્વીપના કેન્દ્રશાસિત પ્રદેશને માલદીવના વૈકલ્પિક પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવાનો પ્રયાસ હતો. વડાપ્રધાન મોદી 2 અને 3 જાન્યુઆરીએ લક્ષદ્વીપમાં અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે હતા.