- દેશમાં લગભગ તમામ સ્થળોએ માંકડોની સંખ્યા વધી રહી છે
- પેરિસ અને માર્સિલે શહેર સમસ્યાથી સૌથી વધારે ત્રસ્ત
- માંકડના ત્રાસને કારણે લોકોની ચિંતા વધી
ફ્રાન્સમાં આજકાલ માંકડનો ત્રાસ વધી ગયો છે. દેશમાં લગભગ તમામ સ્થળોએ માંકડોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને પેરિસ અને માર્સિલે શહેર આ સમસ્યાથી સૌથી વધારે ત્રસ્ત છે. માંકડના ત્રાસને કારણે લોકોની ચિંતા વધી ગઇ હતી. હવે આવતા વર્ષે પેરિસમાં ઓલિમ્પિક રમતોનું આયોજન થવાનું છે ત્યારે માંકડની સમસ્યાને કારણે સરકારની ચિંતા વધી છે. ફ્રાન્સમાં આ વર્ષે ઉનાળાની સીઝનમાં હોટલ્સ અને અન્ય પર્યટન સ્થળોમાં માંકડો જોવા મળી હતી. ધીમે-ધીમે આ માંકડનો ફેલાવો શહેરોમાં અન્ય સ્થળોએ પ્રસર્યો હતો હવે સિનેમા હોલ, ટ્રેનો, બસ અને ઘરોમાં માંકડો પ્રવેશી ગયા છે. માંકડ-મચ્છરોનો ખાત્મો કરનારી કંપનીઓએ પણ પોતાના હાથ અધ્ધર કરી દીધા છે અને કહ્યું છે કે તેઓ આ સમસ્યાને કાબૂમાં લેવામાં સમર્થ નથી. ઓલિમ્પિક દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો પેરિસ પ્રવાસે આવશે જેને કારણે ફ્રાન્સ સરકારની ચિંતા વધી છે. માંકડોને કારણે લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યા પેદા થઇ રહી છે. પેરિસના ડેપ્યુટી મેયર ઇમેન્યુઅલ ગ્રેગરરીએ વડાપ્રધાન એલિઝાબેથ બોર્નને પત્ર લખીને સમસ્યા વિરુદ્ધ એકશન પ્લાન તૈયાર કરવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે માંકડોનો પ્રજનન દર વધારે હોય છે અને તે કારણે જ ફ્રાન્સમાં હાલ માંકડોનો ફેલાવો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં થઇ રહ્યો છે. આ અઠવાડિયે જ ફ્રાન્સની જાહેર પરિવહન કંપનીઓએ દેશના ટ્રાન્સપોર્ટ પ્રધાન સાથે બેઠક કરીને માંકડોની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ચર્ચા કરી હતી.










