- પાકિસ્તાનના પાંચ પ્રાંત માંથી સૌપ્રથમ પંજાબ વિધાનસભાની શરૂઆત
- શપથ પહેલા જ મરિયમ નવાઝને અપાઈ મુખ્યમંત્રી તરીકેની સુરક્ષા
- યોજાશે પંજાબ પ્રાંતની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના રાજકારણમાં મોટો બદલાવ થવાના સંકેત મળી રહ્યા છે. પહેલીવાર, પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રીનું પદ એક મહિલાને મળવા જઈ રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના દીકરી અને PML-Nના નેતા મરિયમ નવાઝ શરીફ પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બનશે. જણાવી દઈએ કે ગત 8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં સંસદીય અને પ્રાંતિય ચૂંટણીઓને લઈને મતદાન થયું હતું. કેન્દ્રમાં PML-Nના નેતૃત્વ વાળું ગઠબંધન સરકાર બનાવી રહ્યું છે. તો, પંજાબ પ્રાંતમાં મરિયમ નવાઝને સીએમ પદના શપથ અપાવવામાં આવશે. આ સાથે જ મરિયમ મુખ્યમંત્રીના પદે બેસનાર દેશના પ્રથમ મહિલા હોવાનું ગૌરવ પણ મેળવશે.
પંજાબ પ્રાંતની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ
50 વર્ષીય મરિયમ નવાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પણ છે. મરિયમના શપથગ્રહણની ચર્ચા એટલા માટે પણ વધુ થઈ રહી છે કારણ કે 8 ફેબ્રુઆરીના ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ દેશના પાંચ પ્રાંતોમાં પંજાબ પહેલી પ્રાંતિય વિધાનસભા છે જેનું ઉદ્ઘાટન સત્ર બોલાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. શુક્રવારે વિધાનસભા સત્રની શરૂઆત બાદ નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. તેની સાથે જ નવી સરકારની રચના કરવાની શરૂઆત કરવામાં આવશે.
અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે મરિયમ
ગવર્નર હાઉસના પ્રવક્તાએ ગુરુવારે જાહેર કરેલ નિવેદનમાં કહ્યું છે કે પંજાબ પ્રાંતના ગવર્નર બાલીધુર રહેમાને શુક્રવારે પંજાબ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મરિયમને પહેલા જ મુખ્યમંત્રીને મળતી સુરક્ષા આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે મુખ્યમંત્રીને મળતો સુરક્ષા પ્રોટોકોલ મરિયમને આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, તેમણે પ્રાંતમાં જુદી-જુદી પોસ્ટ્સ પર ફરજ બજાવતા બ્યુરોક્રેટ્સ સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે.
પંજાબ પ્રાંતનું રાજકીય સમીકરણ
જણાવી દઈએ કે, PML-N એ નવાઝના ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન તરીકે નોમિનેટ કર્યા છે. પંજાબ પ્રાંતમાં PML-Nને 137 બેઠકો મળી છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 113 બેઠકો જીતી હતી.