- મેયરે શીખ સમુદાયની રક્ષા કરવા લોકોને આહ્વાન કર્યું
- તમે આતંકી નહીં, બલકે રક્ષક છો, આખા શહેરને આ જણાવવાની જરૂર છે
- હુમલાની તાજેતરની ઘટનાઓ બાદ રવિવારે શીખ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી
અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર એડમ્સે શીખ સમુદાય પરના તાજેતરના હુમલા અને ઘૃણાના ગુનાઓને દેશ પરનો ડાઘ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે શીખ પાઘડીનો મતલબ આતંકવાદ નથી થતો, બલકે તે વિશ્વાસનું પ્રતીક છે. તેમણે શીખ સમુદાયની રક્ષા કરવા અને શીખ ધર્મ વિશે જાગરૂકતા માટે લોકોને આહ્વાન કર્યું હતું.
એડમ્સ સાઉથ રિચમંડ હિલના ક્વીન્સ વિસ્તારમાં બાબા મખ્ખનશાહ લુબાના શીખ સેન્ટરમાં શીખ સમુદાયના લોકોને સંબોધિત કરતા હતા ત્યારે તેમણે કહ્યું કે તમે આતંકવાદી નહીં, બલકે રક્ષક છો. આખા શહેરને આ જણાવવાની જરૂર છે. આપણા યુવાઓ, આપણા વયસ્કોએ આ જાણવાની જરૂર છે. તેમણે કહ્યું કે તમારી પાઘડીનો મતલબ આતંકવાદ નથી. તેનો મતલબ રક્ષા, તેનો મતલબ સમુદાય, પરિવાર, વિશ્વાસ, શહેર, અમારા માટે તેનો મતલબ એકસાથે આવવા સંબંધી છે. અમે તમારી સાથે મળીને આ ધારણાને બદલી દઈશું. આપણે એકસાથે આ કરી શકીએ છીએ. એડમ્સ અને ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય જેનિફર રાજકુમારે શીખો સામેની ઘૃણા, ગુના, અને હુમલાની તાજેતરની ઘટનાઓ બાદ રવિવારે શીખ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી.










