• મેટાની ચેતવણીમાં યુઝરનો ડેટા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લીક કરાયાનું જણાવાયું
  • મેટાએ ડેટા ચોરી કરવા માટે ડિઝાઇન કરાઈ તેવી 400થી વધુ એપની ઓળખ કરી
  • આ એપ્સ એપલ, ગૂગલ એપ સ્ટોર પર ઉપલબ્ધ હોવાનું પણ ચેતવણીમાં જણાવાયું

આજના ડિજિટલ યુગમાં ભાગ્યે જ કોઈ એવા વ્યક્તિ હશે જેઓ ફેસબુકનો ઉપયોગ ન કરતા હોય. આ એપ ચોક્કસપણે દરેકના એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળશે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફેસબુકના ડેટા લીકના અનેક મામલા સામે આવ્યા છે. જે બાદ યુઝર્સની પ્રાઈવસી પર પણ સવાલો ઉભા થયા છે. દરમિયાન ફરી એકવાર ડેટા ચોરીનો મામલો સામે આવ્યો છે.

યુઝરનો આ ડેટા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લીક કરાયો

મીડિયા અહેલાલો મુજબ, મેટાએ 10 લાખ યુઝર્સની માહિતી પાસવર્ડ સાથે લીક થવાની ચેતવણી શુક્રવારે જાહેર કરી છે. આ ચેતવણીમાં જણાવાયું છે કે, યુઝરનો આ ડેટા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લીક કરવામાં આવ્યો છે. કંપનીના એક અધિકારી ડેવિડ એગ્રોનોવિચે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, આ વર્ષે અત્યાર સુધીમાં મેટાએ એપલ અથવા એન્ડ્રોઇડમાંથી ડેટા ચોરી કરવા માટે ડિઝાઇન કરાઈ તેવી 400થી વધુ એપ્લીકેશનની ઓળખ કરી છે. જે એપલ અને ગૂગલ એપ સ્ટોર પર સરળતાથી ઉપલબ્ધ છે. કંપનીએ યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલવાની સલાહ આપી છે.

ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર ડેટા ચોરતી એપ જોવા મળી

મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર જોવા મળ્યા હતી અને ફોટો એડિટર, ગેમ્સ, VPN સેવાઓ વગેરે જેવી એપ્લિકેશન તરીકે દર્શાવાઈ આવી હતી. મેટાની સિક્યોરિટી ટીમના જણાવ્યા અનુસાર, આ એપ્સ લોકોને સુવિધાઓનો ઉપયોગ કરાવવાના બદલે યુઝર્સના નામ અને પાસવર્ડ ચોરી કરવા માટે ફેસબુક એકાઉન્ટ દ્વારા લોગિન કરાવતા હતા. ત્યારબાદ તેઓ ફેસબુકમાંથી ડેટા અને પાસવર્ડની ચોરી કરતા હતા.

ઝકરબર્ગને કરાયો હતો 5 અરબ ડોલરનો દંટ

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019માં ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા વર્ષ 2018માં કરોડો ફેસબુક યુઝર્સના ડેટા લીકના મામલામાં ફેસબુકને 5 અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 2018માં કેમ્બ્રિજ એનાલિટિકાનો મામલો સામે આવ્યો હતો. લંડન સ્થિત ફર્મ પાસે 2015થી ફેસબુક યુઝર્સનો ડેટા હતો અને તેનો ઉપયોગ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. આ માટે ઝકરબર્ગ પર આ વર્ષે ફરી એકવાર કેસ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: