• એશિયાના સતત વિકાસ કરતાં દેશોમાં ભારત અને ચીન વચ્ચે રેસ 
  • અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે પ્રોજેક્ટનો ચીન કરી રહ્યું છે વિરોધ
  • દેશની ત્રણ જાણીતી એજન્સીઓ કરી રહી છે પ્રોજેક્ટમાં સાથે કામ 

એશિયામાં જો કોઈ બે દેશો વચ્ચે આગળ વધવાની રેસ લાગી હોય તો તે બે દેશો ભારત અને ચીન છે. બંને દેશો સતત વિકાસ કરી રહ્યા છે અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે. એકબીજાને પછાડવાની હોડમાં આ બંને દેશો વચ્ચેના સંબંધો પણ તાજેતરના સમયમાં બગડ્યા છે. બંને દેશોની સરહદો પર ઘણી વખત નાના-મોટા ઘર્ષણો પણ જોવા મળ્યા છે. જો કે, બંને દેશો અત્યાર સુધી મોટા યુદ્ધને ટાળતા જોવા મળ્યા છે.

યુદ્ધના મોટા જોખમને જોતા બંને દેશો સરહદી વિસ્તારોમાં પોતાની પકડ સતત મજબૂત કરી રહ્યા છે. ભારત સરકાર પણ તેમ પાછળ નથી. તાજેતરમાં અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે પ્રોજેક્ટના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ચીને આ અંગે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ ભારત પર ચીનના વિરોધીની ખાસ અસર ન થઈ. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે 6000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ફાળવણી 11 વિવિધ પેકેજો માટે કરવામાં આવી છે.

શું છે અરુણાચલ ફ્રન્ટિયર હાઇવે પ્રોજેક્ટ?

ભારત ચીનને અડીને આવેલા તેના સરહદી વિસ્તારોની સુરક્ષા માટે અરુણાચલ ફ્રન્ટિયર હાઈવેનું નિર્માણ કરી રહ્યું છે. આ હાઇવે લગભગ 1748 કિલોમીટર લાંબો બનાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એપ્રિલમાં તેનું કામ શરૂ થઈ જશે.

ફ્રન્ટિયર હાઇવે પ્રોજેક્ટ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની લગભગ 20 કિલોમીટર નજીકથી પસાર થશે. આ હાઈવેથી યાંગત્સેનું અંતર ખૂબ જ ઓછું છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે આવી ગઈ હતી. આ દરમિયાન બંને સેનાઓ વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી.

ભારતની 3 જાણીતી એજન્સીઓ એક સાથે કરી રહી છે કામ

આ હાઇવેનું નિર્માણકાર્ય દેશની ત્રણ જાણીતી એજન્સીઓ મળીને કરી રહી છે. આ ત્રણ એજન્સીઓના નામ રાજ્ય જાહેર બાંધકામ વિભાગ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન છે.


  • Follow us on: