• UN પ્રમુખે આપત્તિ જોખમો ઓછા કરવા કરી વિશેષ પ્રતિનિધિની નિયુક્તિ
  • UNDRRમાં મહાસચિવ અને સહાયક મહાસચિવના વિશેષ પ્રતિનિધિ બન્યા
  • કમલ કિશોર 13 વર્ષ સુધી કર્યું છે UN ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કામ 

UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આપત્તિ જોખમો ઘટાડવા માટે વિશેષ પ્રતિનિધિની નિમણૂંક કરી છે. તેણે આ માટે ભારતના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના ટોચના અધિકારી કમલ કિશોરને પસંદ કર્યા છે.

55 વર્ષીય કમલ કિશોરને મળી જવાબદારી

મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે બુધવારે જણાવ્યું છે કે 55 વર્ષીય કમલ કિશોરને યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (UNDRR)માં આપત્તિ જોખમ ઘટાડવા માટેના સહાયક મહાસચિવ અને મહાસચિવના વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પહેલા કોની પાસે હતું આ પદ?

જણાવી દઈએ કે, કમલ કિશોર જાપાનની મામી મિઝુટોરીનું સ્થાન લેશે. હાલમાં તેઓ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)માં સેક્રેટરીનું પદ ધરાવે છે. ભારતના G-20ની અધ્યક્ષતા દરમિયાન, કમલ કિશોરે આપત્તિ જોખમ ઘટાડવા પર G-20 કાર્યકારી જૂથનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 2019માં ક્લાઈમેટ એક્શન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગઠબંધનના વિકાસમાં પણ યોગદાન આપ્યું હતું.

દુજારિકે વધુમાં જણાવ્યું છે કે, 'કમલ કિશોર સરકાર, સંયુક્ત રાષ્ટ્ર અને નાગરિક સમાજ સંગઠનો સાથે કામ કરી ચૂક્યા છે. તેમની પાસે વૈશ્વિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે આપત્તિ જોખમ ઘટાડવા, આબોહવા પગલાં અને ટકાઉ વિકાસમાં કામ કરવાનો લગભગ ત્રણ દાયકાનો અનુભવ છે.'

UNDP સાથે 13 વર્ષ સુધી કર્યું કામ

UNએ જણાવ્યું છે કે, 'NDMAમાં જોડાતા પહેલા કિશોરે જિનીવા, નવી દિલ્હી અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) સાથે લગભગ 13 વર્ષ કામ કર્યું છે. આ સમય દરમિયાન તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં આપત્તિની ચિંતાઓને ઘટાડવા માટે વૈશ્વિક હિમાયત કરી છે. વધુમાં, કિશોરે UNDP-પ્રોગ્રામ દેશોને ટેકો આપવા માટે આપત્તિ જોખમ ઘટાડવા સલાહકારોની વૈશ્વિક ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. પ્રોગ્રામ એડવાઇઝર તરીકે, તેમણે UNDP વ્યૂહાત્મક યોજના (2014-17) ના આપત્તિ અને આબોહવા જોખમ સંચાલન-સંબંધિત ઘટકોના વિકાસનું નેતૃત્વ પણ કર્યું.


  • Follow us on: