પાડોશી દેશ નેપાળમાં કુદરતી રૂઠી હોય તેવું સામે આવ્યું છે. નેપાળમાં ભારે વરસાદને લીધે પૂર અને ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા વધીને 179 થઈ છે, જ્યારે 42 લોકો હજી ગુમ હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે પૂર્વ-મધ્ય નેપાળનો મોટો હિસ્સો જળમગ્ન થયો છે અને દેશના ઘણા હિસ્સામાં એકાએક પૂર આવ્યું છે. જેથી નેપાળમાં પૂર બાદ સ્થિતિ કથળી ગઈ છે.
ચાર હજાર પૂર અસરગ્રસ્ત લોકોનું રૅસ્ક્યૂ
નેપાળના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર, પૂર અંગેની ઘટનાઓમાં 111 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશની તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. નેપાળી સેનાએ દેશભરમાં ફસાયેલા 162 લોકોને એરલિફ્ટ કર્યા છે. નેપાળના ગૃહમંત્રાલયના એક અધિકારી જણાવ્યું હતું કે નેપાળી આર્મી, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળોના જવાનો દ્વારા પૂર અને પાણી ભરાવાથી અસરગ્રસ્ત આશરે ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બચાવી લેવામાં આવેલા લોકોને અનાજ સહિત તમામ જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઘણા નેશનલ હાઈવે બંધ સ્થિતિમાં
મળતી માહિતી અનુસાર, નેપાળમાં ભૂસ્ખલનને કારણે શનિવારથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા છે અને સેંકડો લોકો વિવિધ હાઈવે પર ફસાયેલા છે. પોખરેલે જણાવ્યું હતું કે પૂર, ભૂસ્ખલન અને જળબંબાકારને કારણે અવરોધાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કાઠમંડુને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય જમીન માર્ગ ત્રિભુવન હાઈવે પર ટ્રાફિક ફરી શરૂ થઈ ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા 322 મકાનો અને 16 પુલને નુકસાન થયું છે.
નેપાળમાં વિનાશકારી પૂર 40-45 વર્ષ પછી જોવા મળ્યું
મળતી માહિતી અનુસાર, નેપાળમાં ગત 40-45 વર્ષોમાં કાઠમંડુ ખીણમાં આટલા વિનાશક પૂર આવ્યું છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, નેપાળની રાજધાની કાઠમંડુમાં આટલા પ્રમાણમાં પૂર પહેલા ક્યારેય જોયું નથી." શનિવારે આઈસીએમઓડી દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે કાઠમંડુની મુખ્ય નદી બાગમતી ઉપર વહી રહી છે શુક્રવાર અને શનિવારે પૂર્વી અને મધ્ય નેપાળમાં મૂશળધાર વરસાદ પડ્યા બાદ ખતરાના નિશાન પરથી ઉપર વહી રહી છે.
નેપાળમાં ભૂસ્ખલનમાં 6 ફૂટબોલ ખેલાડીઓના મોત
નેપાળના ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા હાઈવે અને રસ્તાઓ ખોરવાઈ ગયા છે, સેંકડો મકાનો અને પુલોને નુકસાન થયું છે અને સેંકડો પરિવારો બેઘર થયા છે. રસ્તાઓ બ્લોક થવાને કારણે હજારો મુસાફરો વિવિધ સ્થળોએ ફસાયેલા છે. નેપાળની રાજધાની કાઠમંડુની સરહદે આવેલા ધાડિંગ જિલ્લામાં શનિવારે ભૂસ્ખલનમાં બસ દટાઈ જવાથી ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત મકવાનપુરમાં 'ઓલ ઈન્ડિયા નેપાળ એસોસિએશન' દ્વારા સંચાલિત તાલીમ કેન્દ્રમાં ભૂસ્ખલનની ઘટનામાં છ ફૂટબોલ ખેલાડીઓએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય લોકો પૂરના પાણીમાં વહી ગયા હતા. દરમિયાન મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.













