કતારે પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેના પર બંને પક્ષો સંમત છે. દરમિયાન, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર તેહરાનની મુલાકાતે છે.

તેહરાનમાં ગતિવિધિઓનો ધમધમાટ

ઈરાન અને અમેરિકા તરફથી મળેલા સંકેતો દર્શાવે છે કે તેઓ પ્રસ્તાવ સાથે સંમત થયા છે. ઈરાન જવાબ આપે કે તરત જ કરારની જાહેરાત કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, કરારની જાહેરાતની વિગતો પર હજુ સુધી ચર્ચા થઈ નથી. દરમિયાન, કરારને લઈને તેહરાનમાં ગતિવિધિઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર તેહરાનની મુલાકાતે છે.

શું છે કરાર પ્રસ્તાવમાં ?

કરારનો મુસદ્દો મેમોરેન્ડમના રૂપમાં છે. બંને દેશો પહેલા એક પાનાના પ્રસ્તાવ પર સંમત થશે, ત્યારબાદ પરમાણુ કરાર પર વિગતવાર ચર્ચા થશે. તેથી, એવું માનવામાં આવે છે કે ઈરાનને આપવામાં આવેલા વર્તમાન યુએસ પ્રસ્તાવ પણ એક પાનાનો પ્રસ્તાવ હશે. જો બંને પક્ષો કરારના પ્રારંભિક મુદ્દાઓ પર સંમત થાય છે. તો વિગતવાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે હજ પછી રૂબરૂ બેઠક યોજાશે. હજ આ મહિનાના અંતમાં સમાપ્ત થાય છે. કતારે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો. કતાર બંને પક્ષોને સંતુષ્ટ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત થઈ શકે.

કરારમાં શેની સમસ્યા ?

પરમાણુ કરાર અંગે અમેરિકાની ત્રણ મુખ્ય માંગણીઓ છે. પ્રથમ, ઈરાને જાહેર કરવું જોઈએ કે તેહરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં. બીજું, ઈરાને તેના સમૃદ્ધ યુરેનિયમને યુએસને ટ્રાન્સફર કરવું જોઈએ. ત્રીજું, ઈરાને ગલ્ફમાં તેના પ્રોક્સીઓને દૂર કરવા જોઈએ. આ દરમિયાન, ઈરાન કહે છે કે તેના મિસાઈલો અંગે કોઈ ચર્ચા થવી જોઈએ નહીં. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ બૂથ સ્થાપવા માટે આંતરરાષ્ટ્રીય માન્યતા ઇચ્છે છે. ઈરાને માંગ કરી છે કે અમેરિકા આર્થિક પ્રતિબંધો હટાવે અને તેના સ્થિર ભંડોળને મુક્ત કરે.

આ પણ વાંચોઃ PM Modiએ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન પ્રખ્યાત હસ્તીઓને આપી કઇ ભેટ?, જાણો