મીડિયા નિયમનકારને લઈને સરકાર-ન્યાયતંત્ર વચ્ચેનો સંઘર્ષ બંધારણીય કટોકટીમાં ફેરવાયો છે. વિપક્ષ અને કાયદા નિષ્ણાતોએ તેને લોકશાહી માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા નિર્ણય
ઇઝરાયલમાં પીએમ બેન્જામિન નેતન્યાહૂની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લા પડકારમાં ફેરવાઈ ગયો છે. ઇઝરાયલી કેબિનેટે સર્વાનુમતે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં દેશના વાણિજ્યિક મીડિયા નિયમનકાર, સેકન્ડ ઓથોરિટી ફોર ટેલિવિઝન એન્ડ રેડિયોને કાર્યરત રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન નફતાલી બેનેટે કહ્યું કે, આ 'જંગલ રાજ'ના આગમનનો સંકેત આપે છે.
વિરોધ પક્ષે કર્યો હોબાળો
જોકે, નેતન્યાહૂ સરકારે કોર્ટના નિર્ણયને નકારી કાઢ્યો. સંદેશાવ્યવહાર મંત્રી શ્લોમો કારહી અને ન્યાય મંત્રી યારીવ લેવિને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, કોર્ટને કાયદાને કચડી નાખવાનો કોઈ અધિકાર નથી. સરકાર કાયદાની વિરુદ્ધ હોય તેવા કોઈપણ નિર્ણયને માન્યતા આપશે નહીં, અને તેના આધારે લેવામાં આવેલા તમામ નિર્ણયો અમાન્ય રહેશે. કેબિનેટે એ પણ સ્પષ્ટ કર્યું કે, સરકાર મીડિયા રેગ્યુલેટરી કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા કોઈપણ ભવિષ્યના નિર્ણયોને સ્વીકારશે નહીં. સરકારનું કહેવું છે કે કાઉન્સિલ પાસે કાયદાકીય રીતે જરૂરી સભ્યોની સંખ્યાનો અભાવ છે. જેના કારણે તેના નિર્ણયો અમાન્ય બની ગયા છે.
સરકારના નિર્ણયનો વિરોધ
સરકારના આ પગલાનો વિપક્ષ અને કાનૂની નિષ્ણાતો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી એટર્ની જનરલ ગિલ લિમોને ચેતવણી આપી હતી કે જો સરકાર પોતાની ઇચ્છા મુજબ કોર્ટના આદેશોનું પાલન કરશે, તો તે કાયદાના શાસનને નબળા પાડવાની શરૂઆત હશે. ભૂતપૂર્વ વડા પ્રધાન નફતાલી બેનેટે કહ્યું, કોર્ટના આદેશોનું પાલન ન કરવાથી દેશમાં અરાજકતા ફેલાશે અને ઇઝરાયલની લોકશાહી વ્યવસ્થા નબળી પડશે.
ન્યાયતંત્રને નબળુ કરવાનો આરોપ
દરમિયાન, ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા યાયર ગોલાને ચૂંટણી પહેલા નેતન્યાહૂ સરકાર પર ન્યાયતંત્રને નબળુ કરવાનો આરોપ લગાવ્યો. તેમના મતે, સરકાર પહેલા કોર્ટનો અનાદર સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી ભવિષ્યમાં ચૂંટણી પરિણામો તેની વિરુદ્ધ આવે તો તેઓ તેને પડકારી પણ શકે. પત્રકાર સંગઠનો અને લોકશાહી તરફી જૂથોએ પણ સરકારના નિર્ણયની ટીકા કરી છે. તેઓ કહે છે કે આ ફક્ત મીડિયા નિયમનનો મામલો નથી, પરંતુ ઇઝરાયલમાં લોકશાહી, પ્રેસની સ્વતંત્રતા અને કાયદાના શાસન પર સીધો હુમલો છે.
આ પણ વાંચોઃ કોઈ સભ્યતા નથી, કોઈ ઇતિહાસ નથી, તેમના માટે કોઈ આદર નથી, ટ્રમ્પના 'એક ગોળી' નિવેદનથી ઈરાન થયુ ગુસ્સે
