પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલા દરમિયાન ઇન્ડોનેશિયા ભારતની સાથે મજબૂત રીતે ઉભું રહ્યું હતું.
પીએમ મોદીએ ઇન્ડોનેશિયાનો માન્યો આભાર
પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, આતંકવાદ જેવા મુદ્દાઓ પર અમે હંમેશા સાથે ઉભા રહ્યા છીએ. ગયા વર્ષે, જ્યારે ભારતના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે ઇન્ડોનેશિયા ભારતની સાથે મજબૂત રીતે ઉભું રહ્યું હતુ. આ સહકાર બદ્દલ પીએમ મોદીએ ઇન્ડોનેશિયાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, બંને દેશો સંયુક્ત કાર્યકારી જૂથ દ્વારા આતંકવાદ વિરોધી પ્રયાસોમાં સહયોગ કરી રહ્યા છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનુ પાકિસ્તાન પર નિશાન
ઇન્ડોનેશિયા એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. જ્યાં તેની વસ્તીના 87 ટકા મુસ્લિમો છે. આ સંદર્ભમાં પહેલગામ આતંકવાદી હુમલા દરમિયાન ઇન્ડોનેશિયાનો મજબૂત ટેકો ભારત માટે ખૂબ મહત્વનો હતો. ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. તેમણે નિશાન સાધતા જણાવ્યું હતું કે અમારા ત્યાં ઈસ્લામ તો આવી તાલીમ નથી આપતું. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં થયેલો આતંકવાદી હુમલો ઇન્ડોનેશિયામાં પ્રચલિત ઇસ્લામ ધર્મ સાથે અનુરૂપ નથી. વધુમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે, સેનાની પ્રભુત્વ ધરાવતી કોઈપણ વ્યવસ્થા ઇચ્છિત પરિણામો આપતી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ પ્રકારના આતંકવાદથી ક્યારેય કોઈ સકારાત્મક પરિણામ આવતું નથી.
આતંકી હુમલો ધૃર્ણાસ્પદઃ ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. તેણે આ હુમલાને "ઘૃણાસ્પદ" ગણાવ્યો. ભારતમાં ઇન્ડોનેશિયાના રાજદૂત ઇના હગ્નિનિંગત્યાસ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, આવા જઘન્ય ગુનાઓ કારણ, સમય, સ્થાન અથવા ગુનેગારને ધ્યાનમાં લીધા વિના વાજબી ઠેરવી શકાય નહીં. રાજદૂતે પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી અને ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. તેમના સિવાય ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે આ હુમલાને 'ઘૃણાસ્પદ આતંકવાદ' ગણાવ્યો અને માનવ અધિકારો, શાંતિ અને સુરક્ષાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવા બદલ તેની નિંદા કરી હતી.
પહેલગામ હુમલો શું હતો?
22 એપ્રિલ 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરની પહેલગામ ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ 26 લોકોને મારી નાખ્યા હતા. ગોળીબાર કરતા પહેલા, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું હતું. આ હુમલાના થોડા દિવસો પછી, 6-7 મેની રાત્રે ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું અને પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ભારતીય સેનાએ હિઝબુલ મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદી ઠાર મરાયા હતા. આ પ્રક્રિયામાં જૈશના વડા મસૂદ અઝહરના પરિવારના ઘણા સભ્યો પણ માર્યા ગયા હતા.
આ પણ વાંચોઃ ચિરાગ પાસવાનની પાર્ટીનો નવો નારો, ભાજપ-સપાની વધશે ચિંતા?
