યુક્રેનમાં ઘણા દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સેના પ્રમુખ જનરલ ઓલેક્સાન્ડ્ર સિર્સ્કીને પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ મિખાઇલો દ્રાપાતીને નવ કમાન્ડર-ઇન-ચીફ નિયુક્ત કરવામાં આવ્યા છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ મંગળવારે દેશની સેનાના કમાન્ડર-ઇન-ચીફ જનરલ ઓલેક્સાન્ડ્ર સિર્સ્કીને પદ પરથી દૂર કર્યા છે. તેમની જગ્યાએ મિખાઇલો દ્રાપાતીને નવા સેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ નિર્ણય કીવ સહિત દેશના અનેક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો બાદ લેવામાં આવ્યો છે.
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમણે સૈન્ય કમાન્ડરો સાથેની શ્રેણીબદ્ધ બેઠકો બાદ આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, "અમારી એક જ ઇચ્છા છે – દુશ્મન પર વિજય અને રશિયા પર એવું દબાણ બનાવવું જેથી તે શાંતિ તરફ આગળ વધવા મજબૂર થાય."ઝેલેન્સ્કીએ સિર્સ્કીના કામની પ્રશંસા કરતા કીવનું રક્ષણ કરવા તેમજ ખાર્કીવ અને કુર્સ્ક અભિયાનોમાં તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે તેઓ યુક્રેનની મજબૂત ફ્રન્ટલાઇન માટે તેમના આભારી છે.
સેના પ્રમુખ બન્યા બાદ શું બોલ્યા મિખાઇલો દ્રાપાતી?
નવા સેના પ્રમુખ મિખાઇલો દ્રાપાતીએ ફેસબુક પર લખ્યું કે યુક્રેનની સેવા કરવી હંમેશા તેમના માટે સન્માનની વાત રહી છે અને આઝાદીના આ યુદ્ધમાં આ સૌથી મોટી જવાબદારી છે. તેમણે સિર્સ્કીનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેઓ સંપૂર્ણ જવાબદારી સાથે સેનાનું નેતૃત્વ કરશે.ઝેલેન્સ્કીએ નવા સૈન્ય નેતૃત્વને સંરક્ષણ વ્યુહરચના (રક્ષા રણનીતિ) અપડેટ કરવા, સેનામાં સુધારા ચાલુ રાખવા, હથિયારો અને ડ્રોનની ઝડપી સપ્લાય સુનિશ્ચિત કરવા, એર ડિફેન્સ મજબૂત કરવા અને સ્પષ્ટ સૈન્ય ભરતી યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઓલેક્સાન્ડ્ર સિર્સ્કીને હટાવવાની ઉઠી હતી માગ
સિર્સ્કીને હટાવવાની માગ છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા પ્રદર્શનો દરમિયાન ઉઠી રહી હતી. પ્રદર્શનકારીઓનો આક્ષેપ હતો કે તેઓ જૂની સોવિયેત શૈલીના સૈન્ય નેતૃત્વનું પાલન કરી રહ્યા હતા અને સૈન્ય સુધારાઓમાં અવરોધ બની રહ્યા હતા.સંરક્ષણ મંત્રી પદેથી હટાવાયેલા મિખાઇલો ફેદોરોવે પણ જાહેરમાં સિર્સ્કીની ટીકા કરતા કહ્યું હતું કે યુક્રેનને યુદ્ધમાં સફળ થવા માટે નવા નેતૃત્વ અને ઝડપી સુધારાઓની જરૂર છે. આ જ વિરોધ ધીમે ધીમે દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયો, જેના પછી ઝેલેન્સ્કીએ સેનાના ટોચના નેતૃત્વમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો.
આ પણ વાંચો: Trump Tariff: ટ્રમ્પ આપવા જઈ રહ્યા છે 200% ટેરિફનો ફટકો, પરંતુ આમાં પણ ભારત માટે તક છે, જાણો કેવી રીતે