રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર હિંદ મહાસાગરમાં સ્થિત ચાગોસ દ્વીપસમૂહ ખરીદવાના વિકલ્પ પર ચર્ચા કરી રહ્યું છે.
યુએસ-યુકે લશ્કરી મથક
109 વર્ષ પછી, અમેરિકા બીજા દેશ પાસેથી જમીન ખરીદવાનું વિચારી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર બ્રિટિશ-નિયંત્રિત ચાગોસ દ્વીપસમૂહ ખરીદવાનું વિચારી રહ્યું છે. હિંદ મહાસાગરમાં સ્થિત આ પ્રદેશ, ડિએગો ગાર્સિયાને કારણે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે એક મુખ્ય યુએસ-યુકે લશ્કરી મથક છે. જો આવું થાય, તો 1917 પછી પહેલી વાર એવું બનશે કે અમેરિકા બીજા દેશ પાસેથી જમીન ખરીદશે. આનો અર્થ એ થયો કે લગભગ 109 વર્ષ પછી અમેરિકા આવું પગલું ભરી શકે છે.
અમેરિકાની લશ્કરી વ્યૂહરચના
ચાગોસ દ્વીપસમૂહ હાલમાં બ્રિટિશ નિયંત્રણ હેઠળ છે અને તેને બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી માનવામાં આવે છે. આ વિસ્તાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં ડિએગો ગાર્સિયા નામનો એક મોટો લશ્કરી થાણું છે. જેનો ઉપયોગ અમેરિકા અને યુકે સંયુક્ત રીતે કરે છે. હિંદ મહાસાગરમાં સ્થિત આ થાણું અમેરિકાની લશ્કરી વ્યૂહરચના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકાએ અગાઉ ઘણી વખત અન્ય દેશો પાસેથી જમીન ખરીદી છે.
અમેરિકાની છેલ્લી મોટી જમીન
1803માં અમેરિકાએ ફ્રાન્સ પાસેથી લ્યુઇસિયાના ખરીદી, તેના પ્રદેશને લગભગ બમણો કર્યો હતો. ત્યારબાદ, તેણે 1867માં રશિયા પાસેથી અલાસ્કા ખરીદ્યું. અલાસ્કાએ અમેરિકાને કુદરતી સંસાધનો, આર્કટિકમાં પ્રવેશ અને લશ્કરી લાભ આપ્યો હતો. અમેરિકાની છેલ્લી મોટી જમીન ખરીદી 1917માં હતી. જ્યારે તેણે ડેનમાર્ક પાસેથી ડેનિશ વેસ્ટ ઈન્ડિઝ ખરીદ્યું, જે હવે યુએસ વર્જિન ટાપુઓ તરીકે ઓળખાય છે.
શું છે ચાગોસ વિવાદ ?
ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે બ્રિટનને ચાગોસ દ્વીપસમૂહ મોરેશિયસને સોંપવાનો આદેશ આપ્યો હતો. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે આ દરખાસ્તને મંજૂરી આપી ન હતી. અમેરિકાને ડર છે કે જો ચાગોસ મોરેશિયસ જાય છે. તો ત્યાંના યુએસ-યુકે લશ્કરી મથક પર ચીનનો પ્રભાવ વધી શકે છે. ટ્રમ્પ માને છે કે વેપાર સોદા દ્વારા ઘણી આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. આ જ કારણે ચાગોસ ખરીદવાનો વિચાર ઉભરી આવ્યો છે. ટ્રમ્પે અગાઉ ગ્રીનલેન્ડ ખરીદવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. જોકે, ચાગોસ ખરીદવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ જહાજ પર ડ્રોન હુમલો થતા લાગી આગ, તમામ 24 ભારતીય ખલાસીઓ સુરક્ષિત













