ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થઈ રહેલા એક વ્યાપારી જહાજ પર અજાણ્યા અસ્ત્ર વડે હુમલો થતાં સસનીખેજ ઘટના સામે આવી છે. આ હુમલામાં જહાજ પર સવાર 11 ભારતીય નાવિકો સહિત કુલ 12 ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર સતત થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

જહાજ ‘MT ઓન પીસ’ અને ભારતીય ક્રૂ પર હુમલાની વિગત

વિદેશ મંત્રાલયના અધિકૃત નિવેદન અનુસાર, પનામાનો ધ્વજ ધરાવતું વ્યાપારી જહાજ "MT ઓન પીસ" (IMO 9893204) મંગળવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર એક અસ્ત્ર (મિસાઈલ/ડ્રોન) વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં 17 ભારતીય નાગરિકો સહિત કુલ 19 ક્રૂ સભ્યો કાર્યરત હતા. હુમલામાં કુલ 12 સભ્યો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 11 ભારતીયોનો સમાવેશ થાય છે.

ઓમાન તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન અને સભ્યોની તબીબી સારવાર

ઘટના બાદ તરત જ ઓમાની સત્તાવાળાઓની મદદથી તમામ ઘાયલ નાવિકોને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ઓમાનના ખાસાબ (Khasab) ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હોસ્પિટલમાં તબીબી સારવાર ચાલી રહી છે. ભારતે આ મુશ્કેલ સમયમાં તાત્કાલિક મદદ અને સહયોગ આપવા બદલ ઓમાન સરકારનો આભાર માન્યો છે.

ભારતનો કડક સંદેશ: વ્યાપારી જહાજો પરના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ

ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રદેશમાં વ્યાપારી જહાજો અને નાવિકોને નિશાન બનાવવાની ઘટનાઓ ભારત માટે અત્યંત ગંભીર ચિંતાનો વિષય છે. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરતા જણાવ્યું છે કે: વ્યાપારી જહાજો, નાવિકો અને નાગરિક માળખાગત સુવિધાઓ પરના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા નેવિગેશન અને વેપાર વહેલી તકે સલામત રીતે પુનઃસ્થાપિત થવો જરૂરી છે.

વૈશ્વિક વેપાર અને ઉર્જા પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ

હોર્મુઝ સ્ટ્રેટ એ વૈશ્વિક દરિયાઈ વેપાર અને ક્રૂડ ઓઈલની હેરફેર માટેનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ગણાય છે. આ વિસ્તારમાં શિપિંગ સેવાઓમાં વિક્ષેપ પડવાથી માત્ર પ્રાદેશિક સુરક્ષા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉર્જા સપ્લાય ચેઈન પર વિપરીત અસર પડી શકે છે.


આ પણ વાંચો : Lawrence Bishnoi સાથે દુશ્મની, એલ્વિશ યાદવ કનેક્શન, શું છે હિમાંશુ ભાઉની ક્રાઇમ કુંડળી?