દક્ષિણ આફ્રિકામાં ગુરુવારે એક મિનીબસ ટેક્સી અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ. આ અકસ્માત પૂર્વી ક્વાઝુલુ-નેટાલ પ્રાંતમાં ડર્બન શહેર નજીક થયો હતો. આ ટક્કરમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે. દક્ષિણ આફ્રિકાના સ્થાનિક સરકારી અધિકારીઓ અને ઇમરજન્સી સેવાઓએ આ માહિતી આપી છે.
અકસ્માતનું કારણ,જોખમી યુ-ટર્ન
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હાઈવે પર જઈ રહેલા એક ટ્રક ચાલકે અચાનક યુ-ટર્ન લીધો હતો. આ અણધાર્યા વળાંકને કારણે સામેથી આવતી મિનીબસ તેની સાથે જોરભેર અથડાઈ હતી. એએલએસ પેરામેડિક્સના પ્રવક્તા ગેરિથ જેમિસને જણાવ્યું કે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં મિનીબસનો ચાલક કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો.

એક અઠવાડિયામાં બીજી મોટી દુર્ઘટના

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકામાં અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. બરાબર એક અઠવાડિયા પહેલા, 19 જાન્યુઆરીએ જોહાનિસબર્ગ નજીક પણ મિનીબસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. તે દુર્ઘટનામાં 14 શાળાના બાળકોના મોત નીપજ્યા હતા. તે કેસમાં 22 વર્ષીય મિનીબસ ચાલક પર બેદરકારી અને ઓવરટેકિંગના આરોપ હેઠળ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

તંત્ર અને સરકાર સામે રોષ જોવા મળ્યો

માર્ગ સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનને કારણે નિર્દોષ લોકો, ખાસ કરીને બાળકોના મોત થતા સ્થાનિક તંત્ર અને સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: