આજ સુધી એવું માનવામાં આવતું હતું કે અમેરિકા માટે સૌથી મોટો ખતરો રશિયા અને ચીન છે. પરંતુ હાલની રાજકીય પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે અમેરિકા પહેલા પોતાના જ સાથી દેશો સામે સંઘર્ષમાં ફસાઈ શકે છે. આ સાથી દેશો નાટો (NATO)ના સભ્ય છે, જેની સંખ્યા કુલ 31 છે.
નાટોની સ્થાપના
નાટોની સ્થાપના 1949માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સોવિયેત યુનિયનના ખતરા સામે યુરોપ અને ઉત્તર અમેરિકા દેશોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશો નાટોના મુખ્ય સ્તંભ રહ્યા છે. લાંબા સમયથી નાટોને વિશ્વનું સૌથી શક્તિશાળી લશ્કરી સંગઠન માનવામાં આવે છે.
હવે સ્થિતિ બદલાઇ
પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક નીતિઓ અને નિવેદનોને કારણે નાટો અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. ખાસ કરીને ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પે આપેલી ધમકીઓએ સમગ્ર યુરોપમાં હલચલ મચાવી દીધી છે. ગ્રીનલેન્ડ ડેનમાર્કનો ભાગ છે અને ડેનમાર્ક નાટોનો સભ્ય દેશ છે.
બેઠકમાં આપી ચેતવણી
વોશિંગ્ટનમાં યોજાયેલી એક બેઠકમાં અમેરિકન સાંસદોએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર બળજબરીથી કબજો કરે છે, તો તે નાટોના આર્ટિકલ 5નું ઉલ્લંઘન ગણાશે. આ આર્ટિકલ મુજબ, જો નાટોના કોઈપણ એક દેશ પર હુમલો થાય છે, તો તેને તમામ સભ્ય દેશો પર હુમલો માનવામાં આવે છે.
બાકીના નાટો દેશો પણ અમેરિકા સામે વિરોધમાં
આનો અર્થ એ થાય છે કે જો અમેરિકા ડેનમાર્ક સામે સૈન્ય કાર્યવાહી કરે, તો બાકીના નાટો દેશો પણ અમેરિકાના વિરોધમાં ઊભા રહી શકે છે. કેટલાક નેતાઓએ તો આ સ્થિતિને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત તરીકે પણ ગણાવી છે. યુરોપના મોટા ભાગના નાટો દેશો આ મુદ્દે એકજૂટ દેખાઈ રહ્યા છે. બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો પાસે પરમાણુ શસ્ત્રો પણ છે. જો અમેરિકા પોતાના જ સાથીઓ સાથે સંબંધ બગાડે છે, તો વૈશ્વિક સ્તરે તેની રાજદ્વારી અને લશ્કરી સ્થિતિ નબળી પડી શકે છે.
લશ્કરી નહીં પરંતુ રાજદ્વારી રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ
નાટો અમેરિકા માટે માત્ર લશ્કરી નહીં પરંતુ રાજદ્વારી રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. યુરોપ અને મધ્યપૂર્વમાં અમેરિકાનો પ્રભાવ મોટા ભાગે નાટો પર આધારિત છે. આવી સ્થિતિમાં નાટો સામે સંઘર્ષ અમેરિકા માટે સરળ નહીં હોય. આ સમગ્ર ઘટનાક્રમ વિશ્વ માટે ચેતવણીરૂપ છે. જો તણાવ વધતો રહેશે, તો તેનો અસર માત્ર અમેરિકા કે યુરોપ સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ અને સુરક્ષા પર પડશે.
આ પણ વાંચો : ટ્રમ્પનો Greenlandનો વિચાર નવો નથી, અમેરિકાએ પહેલા પણ ત્રણ વાર કર્યો હતો પ્રયાસ